Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

મોરબી-રાજકોટ જીલ્લામાં નર્મદા આધારિત પીવાના પાણીની એકસપ્રેસ લાઇનો શરૂ થઇ નથી

કલ્પસર યોજનાનો શકયતાદર્શી અહેવાલ તૈયાર થાય ત્યારબાદ યોજના શરૂ થશેઃ વિધાનસભામાં જાવેદ પીરઝાદાના પ્રશ્નનો જવાબ

વાંકાનેર તા.ર૩: ૧૪મી ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના બીજા દિવસે વાંકાનેર ધારાસભ્ય શ્રી જાવેદ પીરઝાદાના કલ્પસર યોજના અને રાજકોટ-મોરબી જીલ્લાઓમાં પીવાના પાણીની નર્મદા આધારિત એકસપ્રેસ લાઇનો અંગેના બે મહત્વના પ્રશ્નો દાખલ થયા હતા. ગૃહમાં એક કલાકનો પ્રશ્નકાળનો સમય પુરો થઇ જતા આ પ્રશ્નો ચર્ચામાં આવી શકયા નહોતા જેથી માન. મંત્રીશ્રીઓએ લેખીત જવાબો આપ્યા હતા તેવું વાંકાનેર ધારાસભ્ય શ્રી જાવેદ પીરઝાદાએ જણાવ્યું હતું.

શ્રી પીરઝાદાએ પ્રશ્ન રજુ કર્યો હતો કે, કલ્પસર યોજના કયા તબકકે છે ? છેલ્લા બે વર્ષમાં કેટલો ખર્ચ યોજનાના કયા કામો માટે કરવામાં આવ્યો છે ? અને આ યોજના કયારે પૂર્ણ કરવાનું આયોજન હતુ ?

આ અંગે લેખીત જવાબ આપતા માન. મુખ્યમંત્રીશ્રી (કલ્પસર વિભાગ)એ જણાવ્યુ હતુ કે, કલ્પસર યોજના કરવાની કામગીરી બે ઘટકોમાં (કોમ્પોનન્ટસ)માં વહેંચવામાં આવેલ છે. કલ્પસર બંધની કામગીરી નર્મદા નદી પર ભરૂચ પાસે ભાડભુત બેરેજના બાંધકામની કામગીરી કલ્પસર બંધ અને તેને સંલગ્ન કામગીરી : કલ્પસર યોજનામાં પૂર્ણ શકયતા અહેવાલતૈયાર કરવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. કલ્પસર યોજનામાં ખંભાતમાં બંધ બનાવવાનો હોવાથી સમુદ્રશાસ્ત્ર અને પર્યાવરણીય અભ્યાસો ઉપરાંત બંધના સંલગ્ન પાસાઓ તથા અસરો સહિત વિવિધ અભ્યાસો હાથ ધરવામાં આવ્યા છે. જે પૈકી કુલ ર૧ અભ્યાસો પૂર્ણ થયેલ છે જયારે ૧૦ અભ્યાસો હાલમાં પ્રગીત હેઠળ છે. વધુ ૧૯ અભ્યસો અભ્યાસ હેઠળ છે.

નર્મદા નજી પર ભરૂચ પાસે ભાડભુત બેરેજના બાંધકામની કામગીરી બેરેજના સર્વે, સંશોધનો, પ્રાથમિક આલેખન અંદાજો અને ડ્રાફટ ટેન્ડર તૈયાર કરવાની કામગીરી પૂર્ણતાના તબકકે છે. તથા પર્યાવરણને લગતા અભ્યાસો પૂર્ણ કરેલ છે. અને વર્ષ ર૦૧૮-૧૯માં બેરેજનું કામ શરૂ કરવાનું આયોજન છે.  છેલ્લા બે વર્ષમાં ર૦૧પ-૧૬માં ૨૧૦૨-૯૧ લાખ ર૦૧૬-૧૭માં ૬ર૩.૧૬ લાખ, ર૦૧૭-૧૮ (૩૧-૧ર-ર૦૧૭) સુધીમાં ૩૪૪-૯૯ લાખ મળી કુલ ૩૦૭૧-૦૬ લાખ ખર્ચ થયો છે. કલ્પસર યોજનાનો શકયતાદર્શી અહેવાલ થયા પછી સદર અહેવાલને સક્ષમ સ્તરેથી જરૂરી મંજુરીઓ મળ્યેથી આ યોજના સત્વરે શરૂ કરી, શકય બને તેટલુ જલ્દી પૂર્ણ કરવાનું આયોજન છે.

શ્રી પીરઝાદાએ નર્મદા આધારિત પીવાના પાણીની એકસપ્રેસ લાઇનો અંગે જણાવ્યુ હતું કે છેલ્લા બે વર્ષમાં મોરબી-રાજકોટ જીલ્લામાં નર્મદા યોજના આધારિત પાણી પુરવઠાની કેટલી એકસપ્રેસ લાઇનો મંજુર કરી ? અને યોજનાવાર કેટલો ખર્ચ અંદાજવામાં આવ્યો હતો ? અને કઇ લાઇન ચેક કરી પાણી પુરવઠો ચાલુ કરાયો છે ?

આ પ્રશ્નોનો લેખીત પ્રત્યુતર આપતા પાણી પુરવઠા મંત્રીએ જણાવેલ કે એક પણ યોજના મંજુર કરવામાં આવી નથી તેથી પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.

કલ્પસર યોજના શરૂ કરવાનું ભાજપ સરકારનું નકારાત્મક વલણ

કલ્પસર યોજના મંજુર કરવા અને શરૂ કરવા વર્ષો પહેલા માંગણીઓ હતી. આ યોજનાથી હજારો ખેડુતોને લાભ થાય તેમ છે, પરંતુ આ યોજનાના સપનાઓ ભાજપમાંજ એકબીજા સાથે ટકરાયા હોવાથી આ યોજના શરૂ જ ન કરવી તે દિશામાં ભાજપ સરકાર આગળ વધી રહી છે.

રાજકોટ-મોરબી જીલ્લામાં પીવાના પાણીની મુશ્કેલીઓ દૂર કરવા નર્મદા યોજના આધારિત એકસપ્રેસ લાઇનો શરૂ ન કરીને પ્રજા સામે દ્રોહ કરવામાં આવી રહ્યો છે.

(11:25 am IST)