Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

ભાજપ જાય છે, આપ આવે છે, ઇશુદાન મુખ્‍યમંત્રી બનશેઃ કેજરીવાલ

ખંભાળીયામાં આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રીની જંગી જાહેરસભા યોજાઇઃ જનમેદની ઉમટી પડી : ગઇ દિવાળી ભાજપની છેલ્લી દિવાળી હતી, હવે મગફળીના ભાવ વાવતા પહેલા જ ખબર પડી જશેઃ ઇશુદાન ગઢવી

 (કૌશલ સવજાણી  દ્વારા) ખંભાળીયા, તા., ૨૨:  આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે દેવભુમી દ્વારકા જીલ્લાના ખંભાળીયા ખાતે જાહેરસભા સંબોધી હતી અને આમ આદમી પાર્ટીના મુખ્‍યમંત્રીના ચહેરા તરીકે જાહેર થયેલા ઇશુદાન ગઢવીને વિજય અપાવવા હાંકલ કરી હતી.

આ તકે અરવિંદ કેજરીવાલે જણાવ્‍યું હતું કે ૮ ડિસેમ્‍બરે ભાજપ સરકાર જાય છે  આમ આદમી પાર્ટીના સરકાર આવે છે અને તમારા વિસ્‍તારના ઇશુદાન ગઢવી મુખ્‍યમંત્રી બનીને લોકોને ન્‍યાય અપાવશે.

આમ આદમી પાર્ટીના રાષ્‍ટ્રીય સંયોજક અને દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ હાજર હજારો લોકોને સંબોધિત કરતા કહ્યું કે, અમને ગુજરાતમાં લોકોનો એટલો પ્રેમ મળી રહ્યો છે તમે લોકોએ મને તમારો ભાઈ માન્‍યો છે, તમારા પરિવારનો ભાગ માન્‍યો છે, તો હું તમને સૌને ખાતરી આપું છું કે અમારી સરકાર બનશે તો હું તમારો ભાઈ બનીને તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ. આજે લોકો મોંઘવારીથી ત્રસ્‍ત છે. મોંઘવારી એટલી વધી ગઈ છે કે લોકો ગુજરાન નથી ચલાવી શકતા. હું તમારી મોંઘવારી દૂર કરી દઈશ. અમારી સરકાર બન્‍યા પછી ૧ માર્ચથી તમારું વીજળીનું બિલ હું ભરીશ. તમારું વીજળીનું બિલ ઝીરો આવવા લાગશે. દિલ્‍હીમાં લોકોને ૨૪ કલાક વીજળી મળે છે, તો પણ બિલ ઝીરો આવે છે. પંજાબમાં પણ અમારી સરકાર છે, ત્‍યાં પણ ૨૪ કલાક વીજળી મળે છે, તો પણ ત્‍યાંનાં લોકોનું બિલ ઝીરો આવે છે. ગુજરાતમાં પણ અમે ૨૪ કલાક અને મફત વીજળી આપીશું.

તમારા બાળકો માટે રોજગારની વ્‍યવસ્‍થા કરીશું. અત્‍યારે અહીં ઘણી બેરોજગારી છે. દિલ્‍હીમાં મેં ૫ વર્ષમાં ૧૨,૦૦,૦૦૦ બાળકો માટે રોજગારની વ્‍યવસ્‍થા કરી. અત્‍યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારે ૨૦,૦૦૦ લોકો માટે નવી સરકારી નોકરીઓ આપી. ગુજરાતમાં પણ અમે તમારા બાળકો માટે રોજગારની વ્‍યવસ્‍થા કરીશું અને જ્‍યાં સુધી તમને રોજગાર નહીં મળે ત્‍યાં સુધી તમારા બાળકોને ૩૦૦૦ રૂપિયા માસિક બેરોજગારી ભથ્‍થું આપીશું. અમારી સરકાર આવનારા સમયમાં ૧૦૦૦૦૦૦ સરકારી નોકરીની વ્‍યવસ્‍થા કરશે.

તમારી સારવાર માટે શાનદાર હોસ્‍પિટલ બનાવીશું. દિલ્‍હીમાં પણ અમે ઘણી સારી હોસ્‍પિટલો બનાવી, મોહલ્લા ક્‍લિનિક બનાવ્‍યા અને તમામ લોકો માટે તમામ સારવાર મફત કરી ગરીબ અને અમીર સૌની સારવાર મફત કરી દીધી.. ભગવાન ના કરે તમારા ઘરમાં કોઈ બીમાર પડે, પણ કોઈ બીમાર પડે તો તમારો ભાઈ તમારો દીકરો છે, હું બધો ખર્ચ ઉઠાવીશ. ગુજરાતમાં પણ દિલ્લીની જેમ શાનદાર મોહલ્લા ક્‍લિનિક બનાવીશ. જો ? ૫ ની દવા હશે તે પણ મફત અને ? ૧૦,૦૦,૦૦૦ નું ઓપરેશન હશે તો પણ મફત.

આ તકે મુખ્‍યમંત્રીના ચહેરા  તરીકે જાહેર થયેલા અને ખંભાળીયા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ઇશુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે ભાજપની આ છેલ્લી દિવાળી હતી હવે આમ આદમી પાર્ટીની સરકારમાં આપણે દિવાળી ઉજવશું.  વચેટીયાઓનું નામોનીશાન નહિ રહે. મગફળીના ભાવ મગફળીના વાવેતર પહેલા જ ખબર પડી જશે. જેથી ખેડુતોને અન્‍યાય નહિ થાય.

ઇશુદાન ગઢવીએ વધુમાં જણાવ્‍યું કે, ૧૮ વર્ષથી વધુ ઉંમરની જેટલી પણ મહિલાઓ છે તેમના એકાઉન્‍ટમાં દર મહિને ?૧૦૦૦ સન્‍માન રાશિ જમા કરાવીશું. જો ૧૮ વર્ષથી વધુ ઉંમરની કોઈ મહિલા હોય જેમની પાસે બેંક એકાઉન્‍ટ નથી, તો તેઓ પોતાનું બેંક એકાઉન્‍ટ ખોલાવીને રાખે, સરકાર બન્‍યા પછી, મહિલાઓના ખાતામાં દર મહિને ?૧૦૦૦ જમા કરતા રહીશું. આ લોકો કહે છે કે મહિલાઓને પૈસા આપવાની શું જરૂર છે? આવી ઘણી બધી દીકરીઓ છે, જેમનો અભ્‍યાસ પૈસાને અભાવે છુટી જાય છે. આવી દીકરીઓના હાથમાં હજાર રૂપિયા આપવાથી તેમના આવવા જવાનાં ભાડામાં મદદ મળશે અને તેમનો અભ્‍યાસ પૂર્ણ થશે. ઘણી બધી એવી બહેનો છે કે જેઓ મોંઘવારીને કારણે પોતાના બાળકોને દૂધ અને સારા શાકભાજી ખવડાવી શકતી નથી, સારું શિક્ષણ અપાવી શકતી નથી જો એમનાં હાથમાં હજાર રૂપિયા રાખશે તો તે પોતાના બાળકોની સારી રીતે સંભાળ રાખી શકે છે.

 

(3:40 pm IST)