Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd November 2022

રાણાવાવ પંથકમાં ચોર - લૂંટારૂની ટોળકી ત્રાટકીઃ ૨ સ્‍થળોએ સવા લાખની લૂંટ

રાણાવાવના વરવાળામાં ૮ થી ૧૦ અજાણ્‍યા શખ્‍સો ઘરમાં ઘુસી જઇને ૨ મહિલા તથા પુરૂષને રૂમમાં પુરી દઇને ધોકા-છરી વડ હુમલો કરીને રોકડ સોનાના દાગીના મોબાઇલ ઝુંટવી ગયાઃ જૂના પીપળીયામાં ફાર્માહાઉસના મકાનમાંથી કબાટના તાળા તોડીને અજાણ્‍યા શખ્‍સો સોનાનો ચેઇન અને ૪ ઘડીયાલો ઉપાડી ગયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૨૨: રાણાવાવ પંથકમાં વિધાનસભાની ચૂંટણીના સમયે ચોર-લૂંટારૂની ટોળકી ઉતરી આવી છે. આ ચોર - લુંટારૂની ટોળકીના ૮ થી ૧૦ સભ્‍યોએ રાણાવાવના વરવાળામાં એક મકાનમાં ઘુસી જઇને ઘરના ૨ મહિલા તથા ૧ પુરૂષ સભ્‍ય રૂમમાં પુરી દઇને ૪ હજારની રોકડ સોનાના દાગીના ૩ મોબાઇલ તેમજ બાઇક મળી કુલ ૮૨ હજારની લૂંટ કરી નાસી ગયાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે. બીજી પોલીસ ફરીયાદમાં રાણાવાવના જૂના પીપળીયામાં ફાર્મ હાઉસના મકાનમાં કબાટના તાળા તોડીને સોનાનો ચેઇન તથા ૪ ઘડીયાળો મળી ૩૫ હજારની ચોરી કરી ગયાનું જણાવ્‍યુ છે.

રાણાવાવના વરવાળામાં રહેતા લાલજીભાઇ ડાયાભાઇ લખધીરે રાણાવાવ પોલીસ સ્‍ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ કે તેમના મકાનમાં ૮ થી ૧૦ અજાણ્‍યા શખ્‍સો ઘુસી આવીને પોતાને (લાલજીભાઇ) તથા ઘરના મહિલા સભ્‍યો જમનાબેન તથા અસ્‍મીતાબેન ત્રણેયને એક રૂમમાં પુરીને ગાળો આપીને ધોકા છરી વડે હુમલો કરીને પેન્‍ટના ખીસ્‍સામાંથી ૪ હજાર રોકડ કાઢી લીધા હતા તેમજ મહિલાઓ પાસેથી સોનાની બુટી તથા અન્‍ય દાગીના ઉતરાવીને તેમજ ઘરમાં પડેલા ૪ મોબાઇલ તેમજ ઘરના ફળીયામાં બાઇક (જીજે૬એમ-૩૬૪૩) મળી કુલ રૂા.૮૨૦૫૦ની લૂંટ કરી ગયા હતા.

રાણાવાવના જૂના પીપળીયાના અને હાલ પોરબંદર રહેતા હિતેશભાઇ જાદવભાઇ માલમે નોંધાવેલી પોલીસ ફરીયાદમાં જણાવેલ કે પોતાના જૂના પીપળીયા ફાર્મ હાઉસના મકાનમાં અજાણ્‍યા શખ્‍સો ઘુસી જઇને કબાટના તાળા તોડીને કબાટમાંથી સોનાનો ચેઇન કિં.રૂા.૨૫૦૦૦ તેમજ ૪ ઘડિયાળો કિં.રૂા.૧૦,૦૦૦ મળી કુલ ૩૫ હજારની ચોરી ગયા હતા રાણાવાવ પોલીસે આ લૂંટ અને ચોરી અંગે વધુ તપાસ હાથ ધરી છે.

(2:37 pm IST)