Gujarati News

Gujarati News

News of Thursday, 22nd November 2018

નીતિનભાઇ પટેલ સોમનાથમાં: આધુનિક સરકીટ હાઉસનું ખાતમુહુર્ત

સોમનાથમાં નિતીનભાઈ પટેલના હસ્તે ખાતમુહુર્ત-લોકાર્પણ :   વેરાવળઃ સોમનાથમાં નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ દ્વારા અતિથી ગૃહ, સરકારી આવાસ તેમજ વેરાવળ તાલાલા રોડનું ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરાયુ હતું (તસ્વીરઃ દીપક કક્કડ-વેરાવળ)

વેરાવળ તા.૨૨: આજે નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલ રૂા. ૪૮ કરોડના ખર્ચે બનનાર અતિથિગૃહ અને રાજયધોરી માર્ગના વિસ્‍તૃતિકરણના કામોનું ખાતમુહુર્ત સાથે સરકારી અધિકારી કર્મચારીઓના આવાસોનું લોકાપર્ણ કરનાર છે.

જગવિખ્‍યાત સોમનાથ મહાદેવને શીશ ઝુકાવવા દર વર્ષે કરોડથી વધુ યાત્રિકો સાથે દેશભરમાંથી ઉચ્‍ચ હોદા ધરાવતા અધિકારીઓ અને રાજકીય-સામાજિક નેતાઓ પણ મોટીસંખ્‍યામાં આવી રહયા છે. સોમનાથ સાંનિધ્‍યે- કોઇ સરકારી અતિથિગૃહ ન હોવાથી વીવીઆઇપી મહેમાનોના રોકાણ અર્થે અગવડતા પડી રહી હતી. જેને ધ્‍યાને લઇ રાજય સરકારે સોમનાથ મંદિરના સાંનિધ્‍યે નજીકમાં જ અતિથિગૃહ બનાવવાનું નક્કી કરી જગ્‍યાની શોધ શરૂ કરી હતી. આ સર્કિટહાઉસના નિર્માણ કામનું તથા વેરાવળ-તાલાલા વચ્‍ચેના ૨૩ કિ.મી.ના રાજય ધોરીમાર્ગને ૧૦ મીટર પહોળો કરવાના કામનું ખાતમુહુર્ત તથા વેરાવળમાં ચોપાટી નજીક બનાવાયેલ સરકારી અધિકારી-કર્મચારીઓના આવાસોનું લોકાર્પણ સમોનાથ મરીન પોલીસ સ્‍ટેશનની બાજુમાં નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્‍તે થશે.

યાત્રાધામ સોમનાથ સાંનિધ્‍યે સોમનાથ મંદિરની પાછળ મરીન પોલીસ સ્‍ટેશનની બાજુની વિશાળ જગ્‍યામાં આધુનિક સુવિધાવાળુ જિલ્લાકક્ષાનું સર્કિટ હાઉસ(અતિથિગૃહ) બનાવવાનું પસંદ કરાયુ઼ હતું. આ સર્કિટહાઉસાં વીવીઆઇપી સ્‍યુટ, ડીલક્ષ રૂમો સહિત ૬૦ રૂમો તથા કોન્‍ફરન્‍સ હોલ, ડાયનિંગ હોલની સુવિધા ઉભી કરાશે જેના નિર્માણ માટે રૂા. ૨૧ કરોડ જેવી રકમ મંજુર કરાઇ છે. તો વેરાવળ-તાલાલા વચ્‍ચેના ૨૩ કિ.મી.ના ધોરીમાર્ગને રૂા. ૨૭ કરોડના ખર્ચે પહોળો કરવાની કામગીરી કરવામાં આવશે. આ ઉપરાંત રૂા. ૨૭ કરોડના ખર્ચે તૈયાર થયેલ સરકારી આવાસોનું પણ લોકાર્પણ થશે.

આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, ચુનીભાઇ ગોહેલ, ધારાસભ્‍ય વિમલભાઇ ચુડાસમા,બિજ નિગમ ચેરમેન રાજશીભાઇ જોટવા, નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી સહિતના મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે.

(1:56 pm IST)