Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

માતાના મઢથી દર્શન કરીને મોરબી પરત ફરતા પરિવારના છકડાને ટ્રેલરની ટક્કર :બે બાળકોના કરૂણમોત: પાંચ ઘાયલ

ગાંધીધામના પડાણા નજીક અજમેરી હોટેલ સામેના હાઈવે પર જીવલેણ અકસ્માત : ટ્રેલર ચાલક વાહન સમેત સ્થળ પરથી ફરાર

 ગાંધીધામઃ માતાના મઢથી દર્શન કરીને મોરબી પરત જઈ રહેલાં પરિવારને ગાંધીધામ નજીક જીવલેણ અકસ્માત નડ્યો છે. છકડામાં બેસીને પરત જતી વખતે પાછળથી માતેલા સાંઢ જેવા અજાણ્યા ટ્રક-ટ્રેલરે ટક્કર મારતાં બે બાળકોના મૃત્યુ નીપજ્યાં છે જ્યારે અન્ય પાંચ લોકોને હળવી-ગંભીર ઈજા થઈ છે. 

રાત્રે ગાંધીધામના પડાણા નજીક અજમેરી હોટેલ સામેના હાઈવે પર આ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં છકડામાં સવાર પાંચ અને આઠ વર્ષના બે બાળકોના ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યાં છે. ઘટના અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી જઈ તપાસ હાથ ધરી છે. ઘાયલોને વિવિધ હોસ્પિટલમાં ખસેડાયાં છે. અકસ્માત સર્જ્યાં બાદ ટ્રેલરચાલક વાહન સમેત સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.

(11:52 pm IST)