Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાવનગરમાં કલેક્ટરની અધ્યક્ષતામાં વડાપ્રધાનની મુલાકાતની તૈયારીઓને લઇને બેઠક યોજાઇ

તૈયારીઓની વિગતો મેળવી તલસ્પર્શી આયોજન તથા તે માટે લેવાના થતાં પગલાઓ વિશેથી ઉપસ્થિત અધિકારીઓને અવગત કરાવ્યાં

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર :જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડેની અઘ્યક્ષતામાં આજે જિલ્લાના અધિકારીઓની બેઠક આયોજન હોલ ખાતે યોજાઇ હતી. કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓ પાસેથી અત્યાર સુધીની તૈયારીઓની વિગતો મેળવી તલસ્પર્શી આયોજન તથા તે માટે લેવાના થતાં પગલાઓ વિશેથી ઉપસ્થિત અધિકારીઓને અવગત કરાવ્યાં હતાં.
 તમામ અધિકારીઓને સોંપાયેલ કામ તેની સમયમર્યાદામાં થાય તે અંગેની ચીવટ દાખવવાં માટે પણ કલેક્ટરએ ઉપસ્થિત અધિકારીઓને અનુરોધ કરી જણાવ્યું કે, ઘણાં સમય પછી દેશના વડાપ્રધાન જ્યારે ભાવનગરની ધરતી પર આવી રહ્યાં છે.તેથી આ મોટા આયોજનમાંથી આપણને પણ જરૂરી વ્યવસ્થાપન અંગે ઓન ફિલ્ડ જાણકારી મળશે તે ભવિષ્યમાં ઉપયોગી બની રહેશે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન જ્યારે ભાવનગરની ધરતી પર પધારી રહ્યાં છે ત્યારે વડાપ્રધાનશ્રીના પ્રોટોકોલને ધ્યાનમાં લઇને તમામ વ્યવસ્થાઓ સૂચારું રૂપે ગોઠવાઇ જાય. આ ઉપરાંત તમામ વિભાગો વચ્ચે સંકલન જળવાય તે માટે આજે આ બેઠક યોજાઇ હતી.
મ્યુનિસિપલ કમિશનર એન.વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા, જિલ્લા પોલીસ વડા ડો. રવિન્દ્ર પટેલ, પ્રાદેશિક નગરપાલિકા કમિશનર અજય દહિયાએ આ કાર્યક્રમની અત્યાર સુધી હાથ ધરવામાં આવેલ તૈયારીઓની રૂપરેખા રજૂ કરી હતી. તમામ પ્રાંત અઘિકારીઓ, તમામ મામલતદારઓ તથા તમામ તાલુકા વિકાસ અઘિકારીઓની મીટીંગ યોજાઇ જેમાં કલેકટર દવારા તમામ અઘિકારીઓ કરેલ કામગીરીની વીગતો મેળવી તથા તમામ અઘિકારીઓને કરવાની થતી કામગીરીની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી
આ બેઠકમાં બાડાના સી.ઇ.ઓ. આર.આર. ડામોર, નાયબ વન સંરક્ષક સાદિક મુંજાવર, નિવાસી અધિક કલેક્ટર બી.જે. પટેલ, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ તથા અન્ય વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(7:32 pm IST)