Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામના ટોલનાકા પરથી પસાર થતા વાહનો જોગ જાહેરનામું

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. ૨૨ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભાવેશભાઈ એન. ખેર, જામનગરને મળેલ સત્તાની રૂએ હુકમ કરેલ છે કે જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ગામ પાસે આવેલ ટોલનાકાઓ પરથી પસાર થતા ટોલટેક્ષ ચુકવવાપાત્ર તમામ વાહનોના ચાલકોએ તેમનું વાહન ટોલનાકા પર ઠરાવેલ નિશ્ચિત જગ્યાએ થોભાવવું તથા રાજ્ય સરકારે નક્કી કરેલ ટોલટેક્ષ ચુકવી તેની પહોંચ મેળવી અથવા નિયમાનુસાર મુક્તિ મળવાપાત્ર હોય તો તે અંગેનુ કાર્ડ કે પાસ ટોલ પ્લાઝાના કર્મચારી કે એજન્ટને બતાવીને ત્યારબાદ જ ટોલનાકું પસાર કરવું.

આ ઉપરાંત, ઉપરોક્ત ટોલનાકાઓ નજીક આવેલ જમીનના માલિકોએ વાહનો ટોલનાકામાંથી પસાર થવાને બદલે પોતાની ખાનગી માલિકીની જમીનમાંથી બાયપાસ થઇ શકે તેવો કોઇ બાયપાસ રસ્તો વાહન ચાલકોને પુરો પાડવા પર પણ પ્રતિબંધ ફરમાવેલ છે. આ હુકમનો ઉલ્લંઘન કરનાર નિયમાનુસાર સજાને પાત્ર થશે.

રાજ્ય સરકારના પ્રવર્તમાન નિયમોનુસાર અને જાહેરનામાંઓથી જે વાહનોને ટોલટેક્ષ ચુકવવામાંથી મુક્તિ આપવામાં આવેલ હોય તેવા વાહનચાલકોને આ જાહેરનામાંની જોગવાઈ લાગુ પડશે નહિ. જે હુકમ આગામી તા. ૧૪ નવેમ્બર સુધી અમલમાં રહેશે તેવું અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી ભાવેશભાઈ એન. ખેરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

(2:30 pm IST)