Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જૂનાગઢ મહિલા આઇ.ટી.આઇ. વિભાગ : આત્‍મનિર્ભરાતની નવી રાહ

(વિનુ જોષી દ્વારા)જૂનાગઢ તા.૨૧ : આજના આધુનિક યુગમાં શૈક્ષણિક ડિગ્રીઓની સાથે કૌશલ્‍યોનું પણ એટલું જ મહત્‍વ છે. ખાસ કરીને બહેનો આર્થિક રીતે પગભર બને અને તેમના જીવનને એક નવી દિશા મળે તે માટે મહિલા આઈ.ટી.આઈ. દ્વારા -પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. મહિલા આઈ.ટી.આઈ-જૂનાગઢના માધ્‍યમથી સેંકડો વિદ્યાર્થીનીઓ-બહેનોને જીવનમાં પરિવર્તન આવવાની સાથે તેમની કારકીર્દીને નવી પાંખો મળી છે. આમ, આ બહેનો પોતાનામાં પડેલા કૌશલ્‍યોને નિખાર આપીને આત્‍મનિર્ભરતાની નવી રાહ કંડારી રહી છે.

મહિલા આઈ.ટી.આઈ-જૂનાગઢમાં કોસ્‍મેટોલોજી (બ્‍યુટી પાર્લર), ફેશન ડિઝાઇનીંગ એન્‍ડ ટેકનોલોજી સ્‍વિંગ ટેકનોલોજી (સીવણ વગેરે) અને કોમ્‍પ્‍યુટર માટેનો કોપાનો એક વર્ષનો અભ્‍યાસક્રમ ચાલી રહ્યો છે. અહીંયા વિદ્યાર્થીનીઓ-બહેનોને તાલીમ આપવા માટે થીયરીની સાથે ખાસ પ્રેક્‍ટીકલ કાર્ય ઉપર ધ્‍યાન આપવામાં આવે છે. આ માટેની લેબ ( પ્રયોગશાળા) અને અને જરૂરી તમામ રો-મટીરીયલ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે. અધ્‍યતન સુવિધાઓ સાથેના આ મહિલા આઈ.ટી.આઈ.માં હાલ ૧૭૮ જેટલી વિદ્યાર્થીનીઓ-બહેનો પોતાની કારકિર્દીને વિવિધ ટ્રેડના માધ્‍યમથી નવા આયામો આપી રહી છે. ઉપરાંત અહીંયા સીવણ અને કોમ્‍પ્‍યુટર અંગેનો ત્રણ માસનો ટૂંકા ગાળાનો અભ્‍યાસક્રમ પણ ચલાવવામાં આવી રહ્યો છે. ઉક્‍ત તમામ અભ્‍યાસક્રમોમાં ૧૪ વર્ષ પૂર્ણ કરનાર અને ધો.૮ તથા ૧૦ પાસ ઉપર પ્રવેશ આપવામાં આવે છે.

વર્ષ-૨૦૧૨માં શરૂ થયેલા આ મહિલા આઈ.ટી.આઈ.માં જૂનાગઢના આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી વિદ્યાર્થીનીઓ-બહેનો અભ્‍યાસ માટે મોટા પ્રમાણમાં આવે છે. આ બહેનોમાં વિવિધ ટ્રેડ ને અનુરૂપ કૌશલ્‍યો શીખવવામાં આવે છે. સાથે જ એક વ્‍યવસાયકાર તરીકે સફળ થવાના પાસાઓ પ્રત્‍યે તેમને માર્ગદર્શન આપવામાં આવે છે. આ સાથે તેમના હિનભાવના અને સ્‍ટેજ ફીયર દૂર થાય તે માટે સતત પ્રોત્‍સાહિત કરવામાં આવે છે. આ માટે વિવિધ પ્રવળત્તિઓ અને સેમિનારના માધ્‍યમથી આત્‍મવિશ્વાસ વધારવામાં આવે છે. આમ, અહીંયા રોજગારલક્ષી કૌશલ્‍યોની સાથે વ્‍યક્‍તિત્‍વ ઘડતરના પાસા ઉપર પણ એટલું જ ધ્‍યાન આપવામાં આવે છે.

 અભ્‍યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીનીઓ -બહેનો જાતે જ પોતાનો વ્‍યવસાય શરૂ કરે છે. ઉપરાંત જુદી -જુદી કંપનીઓ અને વ્‍યવસાય એકમો સાથે સંકલન સાધી બહેનોને રોજગારી પણ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.

 અહીંયા અભ્‍યાસ કરતી વિદ્યાર્થીનીઓ બહેનોને માસિક રૂ. ૨૦૦ થી ૪૦૦નું સ્‍ટાઈપેંડ, ૨૪૦૦ થી ૪૮૦૦ ની શિષ્‍યવળત્તિ અને મફત એસ.ટી બસમાં વિનામૂલ્‍યે મુસાફરીની સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવે છે.

 મહિલા આઈ.ટી.આઈ.-જૂનાગઢના કર્મચારીગણ હેતલબેન કાનગળ, અંજનાબેન ટાંક, દિશાબેન બંસલ અને તર્જનાબેન ટાંકે ઉક્‍ત વિગતો આપી હતી.  મહિલા આઈ.ટી.આઈ.ના આચાર્ય   પી.કે. વાળાના માર્ગદર્શન મુજબ આ સંસ્‍થાનું સુચારુ સંચાલન કરવામાં આવી રહ્યું છે.

(1:38 pm IST)