Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

માંગરોળ મરીનના લાડવા વાવ વિસ્‍તારમાંથી એક શખ્‍સની રૂા. ૩ લાખના દારૂ સાથે ધરપકડ

ડીવાયએસપી કોડીયાતરના કાફલાએ રૂા. ૩.૮૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો

(વિનુ જોશી) જૂનાગઢ તા. ૨૨ : માંગરોળ મરીનના લાડવા વાવ વિસ્‍તારમાંથી પોલીસે એક શખ્‍સની રૂા. ૩ લાખના દારૂ સાથે ધરપકડ કરી રૂા. ૩.૮૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

એસ.પી. રવિ તેજા વાસમ શેટીની સુચનાથી માંગરોળ ડીવીઝનના ડીવાયએસપી દિનેશ કોડીયાતર સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્‍યારે મળેલી બાતમીના આધારે માંગરોળ મરીન પોલીસ સાથે માંગરોળ બંદરના લાડવા વાવ વિસ્‍તારમાં દરોડો પાડયો હતો.

આ કાર્યવાહીમાં પોલીસે માંગરોળ બંદરના જયેશ ભોદાર નામના શખ્‍સની રૂા. ૨,૯૪,૬૦૦ની કિંમતના વિદેશી દારૂ તેમજ રૂા. ૯૯૦૦ના બિયર સાથે ધરપકડ કરી દારૂ તેમજ બે મોબાઇલ ફોન અને મોટર સાયકલ મળી કુલ રૂા. ૩.૮૦ લાખનો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

આ બારામાં જયેશ ભોદારની સાથે રાજુ રબારી અને નારણ ખાંભલા નામના શખ્‍સોના પણ નામ ખુલતા ત્રણેય ઇસમો સામે માંગરોળ મરીન પોલીસ મથકમાં ધોરણસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.

(2:39 pm IST)