Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

કચ્‍છનાં નાના રણમાં ટ્રેકટર સાથે ફસાયેલા ૨૦૦થી અગરીયાઓને સલામત સ્‍થળે ખસેડાયા

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૨ : કચ્‍છના નાના રણમાં અગરિયાઓને આફત ૨૦૦ થી વધુ અગરિયા પરિવારોના ટ્રેક્‍ટર વરસાદના પાણીમાં જમીન પોંચી થઈ જવાના કારણે અસંખ્‍ય ટ્રેક્‍ટર ફસાયા હતા.

મળતી વિગત મુજબ તાજેતરમાં કેટલાક અગરીયા પરિવારોએ મીઠુ પકવવા માટે સરસામાન લઈને રણમાં પ્રસ્‍થાન કર્યુ હતું. પરંતુ બે-ચાર દિવસ માંડ થયા હશે ત્‍યા વરસાદ શરૂ થતા અગરીયાઓનો સરસામાન રણમાં પલળી ગયો હોવાનું જાણવા મળે છે.

તેમજ રણમાં વરસાદી પાણી આવતા અગરીયા પરિવારોને પાણીમાં ચાલતા ચાલતા ઘેર પરત ફરવાની નોબત આવી છે. હવે થોડા દિવસ પછી અગરીયાઓ ફરી રણમાં પ્રસ્‍થાન કરશે. મીઠું પકવવાની સિઝન મોડી શરૂ થશે તેમ જાણવા મળે છે.

રણકાંઠાના ગામડાના અંદાજે ૨૦૦૦ અગરિયા પરિવારો દર વર્ષે ઓક્‍ટોબરથી મે માસ દરમિયાન પોતાના પરિવારજનો સાથે રાત દિવસ કાળી મજૂરી દ્વારા મીઠું પકવવાનું આકરૂ કામ કરે કરે છે. એવામાં ગત વર્ષે અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા મોડા પહોંચ્‍યા હતા. આથી રણમાં મીઠું પકવવાની સીઝન મોડી શરૂ થઇ હતી. આથી આ વર્ષે અગરિયા પરિવારો રણમાં મીઠું પકવવા વહેલા ઉતર્યા હતા.

જેમાં રણમાં વરસાદની સાથે રૂપેણના પાણી ફરી વળતા અસંખ્‍ય પરિવારો રણમાં ફસાયા હતા. જેમાં છઠ્ઠીના સરકારી રણમાં વરસાદના પગલે રાજુભાઇ સહિતના અગરિયા પરિવારો ત્રણ ટ્રેક્‍ટરો સાથે છેલ્લા ત્રણ દિવસથી ફસાયા હતા. એમને મહામહેનતે ત્રણથી ચાર દિવસની મથામણ બાદ બહાર કાઢવામાં આવ્‍યાં હતા. આથી રણમાં ફસાયેલા અગરિયા પરિવારોના જીવમાં જીવ આવ્‍યો હતો. ત્‍યારે રણમાં આ વર્ષે પણ વરસાદના પગલે મીઠું પકવવાની સીઝન મોડી શરૂ થવાની નોબત આવી છે. જયારે આ વર્ષે રણમાં મીઠું પકવતા અગરિયાઓને રણ બેઠા મીઠાના સારા ભાવ મળતા અગરિયાઓ રણમાં મીઠું પકવવા વહેલા ઉતર્યા હતા. ત્‍યાં વરસાદ ફરી આ વર્ષે પણ વિલન બનીને આવ્‍યો હતો.

(1:24 pm IST)