Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

મોરબીમાં દુષિત પીવાનું પાણી વિતરણ કરાતું હોવાની રાવ સાથે હંગામો : ટોળુ પાલિકા કચેરીએ ધસી ગયું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૨૨ : મોરબી નગરપાલિકા તંત્ર નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્‍ફળ નીવડ્‍યું છે. તૂટેલા રોડ રસ્‍તા, પીવાના પાણી જેવા પ્રશ્નો હજુ પણ જેમના તેમ જોવા મળે છે. જેમાં આજે વોર્ડ નં ૦૨ માંથી મહિલાઓ સહિતનું ટોળું પાલિકા કચેરી પહોંચ્‍યું હતું અને દુષિત પાણી વિતરણ મામલે રજૂઆત કરવામાં આવી હતી.
મોરબી શહેરના વોર્ડ નં ૦૨ માં આવેલ મદીના સોસાયટીમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી ભળતું હોય અને દુષિત પાણી મળતું હોવાથી સ્‍થાનિકો પરેશાન હોય અને આજે સ્‍થાનિકોનું ટોળું નગરપાલિકા કચેરી દોડી ગયું હતું. જયાં પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી દુષિત પાણી વિતરણથી લત્તાવાસીઓ ને રોગચાળાનો ભય સતાવી રહ્યો છે તો પાલિકા તંત્ર દ્વારા પ્રશ્નના યોગ્‍ય નિકાલ માટે ખાતરી આપવામાં આવી હતી અને સ્‍થળ પર જઈને પ્રશ્ન ઉકેલવાનું જણાવતા મામલો થાળે પડ્‍યો હતો.
જો કે મહિલાઓએ જણાવ્‍યા મુજબ આ પાણીની વાસ જ અતિ દુર્ગંધ મારે છે અને પાણી તો જરાય પી શકાતુ નથી. ઘણા દિ'થી રાહ જોયા પછી આજે રજૂઆત કરાઇ છે.

 

(11:38 am IST)