Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ભાવનગરમાં વેપારીને ધમકાવી ૧૦ લાખની ખંડણી માંગી

ભાવનગર,તા. ૨૨ : ભીલવાડા સર્કલ, બિલાલ મસ્‍જિદની સામે આવેલ અલમદીના સોસાયટી, ટેનામેન્‍ટ નં. ૨ માં રહેતા અને આંબાચોક વિસ્‍તારમાં સવાઈગરની શેરીમાં દુલ્‍હા ફેશન નામની સુટ અને શેરવાનીની દુકાન ધરાવતા મહમદ રફીકભાઈ હરુનભાઈ મુલતાનીએ ગંગાજળિયા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, આ જ વિસ્‍તારમાં રહેતા સાજીદ ઉર્ફે બાપુ સીદીકમિયા સૈયદ એ તેમના મોબાઈલમાં કોઈ ટેકનીક નો ઉપયોગ કરી પોતાનું નામ જ દર્શાવે તેમજ તેમના પત્‍નીના મોબાઇલમાં પણ પોતાનું જ નામ બતાવે એવી રીતનો ફેરફાર કરી મહમદ રફીકભાઈ મુલતાનીને ફોન કરી બહુ પૈસા ભેગા કર્યા છે હવે ૧૨ કલાકમાં મને રૂપિયા દસ લાખ પહોંચાડી દેજે તેમ કહી ફોન કાપી નાખ્‍યો હતો.
ત્‍યારબાદ તેમના પત્‍નીના મોબાઈલ ઉપર પણ ફોન કરીને પૈસાની માંગણી કરી હતી અને જો પૈસા નહીં આપો તો તમારા દીકરા નું ધ્‍યાન રાખજો તેવી ધમકી આપી ફોન કાપી નાખ્‍યો હતો. આ ઘટના બાદ મહમદ રફીકભાઈએ ગંગાજળિયા પોલીસ મથકમાં અરજી આપી હતી, જેની સાજીદને ખબર પડતા તેણે રફિકભાઈ પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્‍યારે રસ્‍તામાં અટકાવી તે અરજી કરી પરંતુ મને રૂપિયા દસ લાખ આપવા જ પડશે નહીતર મારા દીકરા આબુબકર અને તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
આ અંગે ગંગાજળિયા પોલીસે સાજીદ ઉર્ફે બાપુ સૈયદ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

(10:39 am IST)