Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ગીર ગઢડામાં પુરથી નુકસાનીનું વળતર ચૂકવાય નહીં તો લડતની કોંગ્રેસ દ્વારા ચિમકી

ઉના તા.૨૨: ગીરગઢડા ગામે તાલુકા કોંગ્રેસ સમિતિની એક બેઠકમાં ભારે વરસાદથી થયેલ તાલુકાની ખેતીની જમીનના ધોવાણ, પુરને કારણે ગયેલ નુકસાની લોકોને ચુકવવા ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવશે અને સરકાર સામે લડતની ચિમકી આપી છે.

ગીરગઢડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ બાલુભાઇ હીરપરાનાં અધ્યક્ષ સ્થાને ગીરગઢડા ગામે પટેલ સમાજની વાડીમાં એક મીટીંગ યોજવામાં આવી હતી, જેમાં ઉનાના ધારાસભ્ય પુંજાભાઇ વંશ, આગેવાન ગુણવંતભાઇ તળાવીયા, તાલુકા ભરનાં સરપંચો, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહયા હતા.

ગત જુલાઇ માસમાં ગીરગઢઠા તાલુકામા઼ ભારે વરસાદ તથા નદીના પુરને કારણે તાલુકાનાં ઘણા ગામોમાં ખેતીની જમીન ધોવાઇ જતાં ચોમાસું પાક નિષ્ફળ ગયો છે. તેમજ ખેડૂતોનાં પશુઓ, ઘરવખરીની નુકસાની પણ યોગ્ય રીતે ચુકવાણી નથી તથા ખેતીની જમીનની મરામત માટે ખાતર, બીયારણ માટે આજે એક મહિનો થવા છતાં સહાય ન ચુકવાતાં ગુજરાત સરકારને રજુઆત કરવા નિર્ણય લેવાયો હતો જરૂર પડે સરકાર સામે લડતની તૈયારી બતાવી હતી.(૧.૮)

(10:27 am IST)