Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

ગોંડલ સંપ્રદાયના ગુરૂણી મૈયા

પૂ. ઇન્દુબાઇ મ.સ.ની તા.૭ના રોજ આઠમી પુણ્યતિથિઃ જીવદયા-માનવસેવાના કાર્યો યોજાશે

રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના ગુરુણી મૈયા પૂ.ઈન્દુબાઈ મ.સ.ની આઠમી પૂણ્ય તિથીએ ભાવપૂર્વક ભાવાંજલિ,ગુણાંજલિ. સૌરાષ્ટ્ર સિંહણ,તીર્થ સ્વરૂપા,વચન સિધ્ધીકા, ભગવાન તુલ્ય બા.બ્ર.પૂ.શ્રી ઈન્દુબાઈ મહાસતીજીએ ૭/૭/૨૦૧૨ ના રોજ દેવલોકગમન કરેલ.

 આ વર્ષે કોરોના વાઈરસની સાવચેતી અને સતર્કતા રાખી સરકારની ગાઈડ લાઈનનું નાલંદા તીર્થધામ ખાતે પૂર્ણ પણે પાલન કરી અનેરા ,અનોખા માનવસેવા, જીવદયાના ધાર્મિક આયોજનો કરવામાં આવશે.

 અજરામર સંપ્રદાય તથા ગોંડલ સંપ્રદાય વચ્ચે સુમેળભર્યા સબંધો પુનઃપ્રસ્થાપિત કરવામાં પૂ.ઈન્દુબાઈ મહાસતીજીએ મહામૂલુ માર્ગદર્શન આપી સમાજ એકત્રિત કરણનું ભવ્ય કાર્ય કરેલ.

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ રાજકોટના ગૌરવ પથ કાલાવડ રોડ સ્થિત ચોકનું નામ બા.બ્ર. પૂ.ઈન્દુબાઈ મહાસતીજી ચોક નામકરણ કરી ચિરઃ સ્મૃતિ સ્થાપિત કરી સ્મરણાંજલિ અર્પણ કરેલ. માત્ર જૈન સમાજમાં જ નહીં પરંતુ અઢારે આલમમાં પૂ.ઈન્દુબાઈ મહાસતીજી પ્રત્યે અહોભાવ હતો. પૂ.ઈન્દુબાઈ મહાસતીજીએ સ્થા.સમાજના દરેક સંપ્રદાયમાં અનોખી ઓળખ ઉભી કરેલ. તેઓશ્રી ચતુર્વિધ સંદ્યમાં ઐકયતા અને સોહાર્દ પૂર્ણ માહોલ રહે તે માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેતાં. પૂ.ગુરુણીમૈયાની અસીમ કૃપાથી નાલંદા તીર્થધામમાં સામાયિક, પ્રતિક્રમણ, પૌષધ, આયંબિલ સહિત તપ - જપ આદિ અનુષ્ઠાનોમાં વર્ષ દરમ્યાન માનવ મહેરામણ ભકિતભાવ પૂર્વક સ્વયંભૂ ઉમટી પડે છે.

 ગોંડલ સંપ્રદાયના સૌરાષ્ટ્ર સિંહણના ઉપનામથી વિશ્વમાં સુવિખ્યાત બનેલા તીર્થ સ્વરૂપા સાધ્વી રત્ના પૂ. શ્રી ઈન્દુબાઈ મહાસતીજીની તા. ૭/૭/૨૦૨૦ના આઠમી પૂણ્ય તિથી છે. શરદ પૂનમના પવિત્ર દિવસે તા.૧૪/૧૦/૧૯૩૨ ના કાલાવડની ધન્ય ધરા ઉપર પૂ.ઈન્દુબાઈ મ.સ.નો જન્મ થયેલ. અષ્ટ મંગલ સમાન ચાર ભાઈઓ અને ચાર બહેનોમાં પૂ.ઈન્દુબાઈ સ્વામી સૌથી મોટા હતાં.જામનગરના પૂર્વ મેયર લીલાધરભાઈ પટેલ પૂ.સ્વામીના લદ્યુબાંધવ હતા. મહા સુદ તેરસ ૧૯/૨/૫૧ ના શુભ દિવસે કાલાવડની પાવન ભૂમિ ઉપર દોમ દોમ સાહેબી અને સુખોને એક જ ઝાટકે છોડી પ્રભુ મહાવીરના ત્યાગ માર્ગનો કાંટાળો પંથ પસંદ કરી સૌને ચોકાવી દિધેલ. દીક્ષાને દિવસે સૌના મુખ ઉપર શબ્દો હતાં. કે આ આત્મા કાલાવડનું કોહિનૂર બની જિન શાસનની આન,બાન અને શાન વધારશે,જે શબ્દો અક્ષરસ : સાચા પૂરવાર થયા.પૂ.ઈન્દુબાઈ મહાસતીજીની દેહાકૃતિ પણ દેવાંગના જેવી. સંસારમાં હતાં ત્યારે તેઓની અદા અને અદબ અજબગજબની હતી.મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે સંયમ અંગીકાર કર્યા બાદ યાવત્ જીવન તેઓ ખૂમારીથી અને જિનાજ્ઞા મુજબ જીવ્યા.

જિન શાસન અને ગોંડલ સંપ્રદાય ઉપર તેઓનો અસીમ ઉપકાર રહેલો છે.તેઓની આભા,ઓરા અને પ્રતિભા અન્યથી અનોખી હતી.જયારે પણ જુઓ ત્યારે એક હાથમાં માળા હોય,મન મહાવીરની મસ્તીમાં મસ્ત હોય.તેઓ સદા સાધકની નૈસર્ગિંક પ્રતિભા અને સ્વાભાવિક જોશ સાથે જોવા મળતાં. તેઓ નિર્મોહી,નિરાભિમાની અને નિરાળા હતાં. તેઓના આધ્યાત્મિક વિચારોએ પ્રજા દ્યડતરનું ઉમદા કાર્ય કર્યું છે.દાન ધર્મની તેઓની પ્રેરણાથી અનેક શાતાકારી ધર્મ સંકુલોનું નિર્માણ થયું. પૂ.ઈન્દુબાઈ મહાસતીજીના સંસ્મરણો રાજકોટ,નાલંદા તીર્થધામ ખાતે બીરાજમાન સાધ્વી રત્ના પૂ.રંજનજી મહાસતીજી., પૂ.સોનલજી મહાસતીજી. આદિ સાધ્વી રત્નાઓ પાસે શ્રવણ કરીએ તો એક અદભૂત શકિત સંચારની અનુભૂતિ થયા વગર રહે નહીં.પ્રવિણભાઈ કોઠારીએ કહ્યું કે તેઓની નિખાલસતા સો ટચની હતી,તેથી જ એમને હૈયે એ જ હોઠે આવતું.ચંદ્રકાન્તભાઈ શેઠે જણાવ્યું કે તેઓ દરેકને ઉત્સાહની પાંખો આપી દિવ્ય અનુભૂતિ કરાવતા.તેઓને જિન શાસન પ્રત્યે અડોલ અને અજોડ શ્રદ્ઘા હતી. વગર માઈકે હજારોની મેદની વચ્ચે જોમ - જુસ્સા સાથે તેઓ જિનવાણી પીરસતા.ગોંડલ ગાદીના ઉપાશ્રય લોકાર્પણના શુભ દિવસે લગભગ ૧૦૮ સંદ્યો તથા હજારો ભાવિકોની પ્રેરક ઉપસ્થિતિમાં પૂ.ઈન્દુબાઈ મહાસતીજીની શૌર્યતા,નીડરતા, સાહસ વગેરે નિહાળી 'સૌરાષ્ટ્ર સિંહણ ' નું બિરુદ આપી નવાજવામાં આવેલ. ઈશ્વરભાઈ દોશીએ કહ્યું કે લાખો લોકોના આસ્થા અને શ્રદ્ઘાનું પૂ.ઈન્દુબાઈ મહાસતીજી કેન્દ્ર બની ગયા હતા.

 જયેશભાઈ સંદ્યાણી અને જયેશભાઈ માવાણી સ્મરણોને યાદ કરતાં કહે છે કે સુશ્રાવક સ્વ.નગીનભાઈ વિરાણી, સ્વ.ચંપકભાઈ મહેતા, સ્વ.રસિકભાઈ પારેખ, સ્વ.જયંતભાઈ ભરવાડા જેવા અનેક શ્રાવકો પણ પૂ.ઈન્દુબાઈ મહાસતીજી પાસે અવાર - નવાર ધર્મચર્ચા કરવા અને માર્ગદર્શન મેળવવા માટે આવતા.અનેકના સંપર્કમાં આવવા છતાં તેઓ સ્વની સાધના અને સ્વાધ્યાયમાં મસ્ત રહેતાં. ભાવિકો આજે પણ તેઓનું સ્મરણ કરતાં કહે છે કે પૂ.ઈન્દુબાઈ મહાસતીજીના દર્શન - વંદન કરતાં જ દિવસ ધન્ય બની જતો.

ડોલરભાઈ કોઠારી,શિરિષભાઈ બાટવીયા, ઉપેનભાઈ મોદી, કિરીટભાઈ શેઠ, પ્રતાપભાઈ વોરા,સુશીલભાઈ ગોડા, પરેશભાઈ સંદ્યાણી, કમલેશભાઈ શાહ, દિનેશભાઈ દોશી,ગૌરવભાઈ દોશી, વગેરે ધર્મ પ્રેમીઓએ જણાવ્યું કે પૂ.ઈન્દુબાઈ મહાસતીજીની યાદો યાદ કરો તો તે એક યાદની પાછળ હજારો યાદ દોડતી સ્મૃતિ પટ ઉપર આવ્યા વગર રહે નહીં.

સમાજમાં કોઈ દ્યટના દ્યટે ત્યારે પૂ..ઈન્દુબાઈ મ.સ.ની પ્રતિક્રિયા પણ આંતરખોજ કરવા પ્રેરે તેવી રહેતી.તેઓ વારંવાર કહેતા કે મરણનો ભય પ્રભુ સ્મરણથી મટી જાય.તેઓ એક શાયરી વારંવાર ઉચ્ચારતા.. '' એક અવગુણ આપડુ, બગાડે આખું અંગ, ચપટી હળદર નાખતા, જેમ ખીચડીનો રંગ '' તેઓ શ્રેષ્ઠ વકતા સાથે સુંદર વ્યકિતત્વ ધરાવતા હતાં. પ્રવચનમાં તેઓ કહેતાં કે માત્ર બોલીને નહીં પરંતુ સાધુએ એ પ્રમાણે જીવન જીવવાનું હોય છે.તેઓના પ્રવચનમાંથી જ શ્રોતાઓને તેઓના અસલ મિજાજની ઝાંખી થતી. ૭/૭/૨૦૧૨ ના રાજકોટ નાલંદા ઉપાશ્રયે પૂ.ઈન્દુબાઈ મહાસતીજીએ સમાધિભાવે ચાર શરણાના સ્વીકાર સાથે કાળધર્મ પામેલ.

  સંકલન :

મનોજ ડેલીવાળા,

રાજકોટ, મો.૯૮૨૪૧ ૧૪૪૩૯

(2:58 pm IST)