Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કેશોદમાં સવારે એક કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદઃ અન્યત્ર હળવી મેઘકૃપા

જુનાગઢમાં સવારથી ધીમીધારે વરસાદ

જુનાગઢ - કેશોદ તા.રર : કેશોદમાં આજે સવારે એક કલાકમાં ધોધમાર દોઢ ઇંચ વરસાદ થતાં સર્વત્ર પાણી પાણી થઇ ગયુ હતુ. કેશોદ ઉપરાંત જિલ્લામાં પણ હળવી મેઘકૃપા હોવાનાં વાવડ છે.

જુનાગઢ જિલ્લામાં શનિવારથી મેઘરાજાનું આગમન થયુ છે. ગઇકાલે પણ રવિવારની રજા રાખ્યા  વગર મેઘરાજાએ કૃપા વરસાવતા સવારે પુરા થયેલા ર૪ કલાક દરમિયાન જિલ્લામાં ર૬૮ મી.મી. વરસાદ નોંધાયો હતો.

જેમાં સૌથી વધુ ૬૪ મી.મી. કેશોદમાં વરસાદ ખાબકયો હતો. જયારે જુનાગઢ સીટી અને ગ્રામ્યમાં ૪પ મીમી અને ૪૬ મી.મી. વરસાદ માણાવદર તાલુકામાં નોંધાયો હતો.

જુનાગઢ જિલ્લામાં આજે પણ સવારથી મેઘ મહેર ચાલુ રહી છે. જેમાં કેશોદ ખાતે ગઇકાલે ૬૪ મી.મી. વરસાદ થયા બાદ આજે વહેલી સવારના ફરી મેઘાએ કેશોદમાં મંડાણ કર્યા હતા અને સવારના છ વાગ્યાથી મેઘાએ ધોધમાર વરસવાનું શરૂ કરતા એક કલાકમાં દોઢ ઇંચ (૩પ મી.મી.) વરસાદ થતા કેશોદમાં પાણી પાણી થઇ ગયુ હતુ.

આ પછી પણ કેશોદના ધીમી ધારે વરસાદ ચાલુ રહેતા સવારના ૬ થી ૧૦ના ૪ કલાકમાં કેશોદ ખાતે ૪૦ મી.મી. પાણી પડયાનું નોંધાયુ હતુ.

જુનાગઢમાં સવારના છ વાગ્યા સુધીમાં ૪પ મી.મી. વરસાદ થયા બાદ સવારના સાત વાગ્યે ફરી મેઘાનું આગમન થયેલ અને ૧૦ વાગ્યા સુધીમાં પાંચ મી.મી.વરસાદ નોંધાયો હતો.

આ જ પ્રમાણે સવારના ૬ થી ૧૦ દરમિયાન વંથલીમાં ૧૪ મી.મી. માળીયા હાટીનામાં ૧૩ મી.મી., અને માંગરોળમાં પાંચ મી.મી. વરસાદ નોંધાયો હતો.

આ સાથે કેશોદમાં મોસમનો કુલ વરસાદ ૯ ઇંચ પડયો છે.

(2:55 pm IST)