Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કલ્યાણપુરના ટંકારીયાના વિજ ઇજનેરને કોરોના

મહેસાણાથી આવેલાઃ દ્વારકા જીલ્લાનો ર૦ મો કેસઃ મુંબઇથી આવતા વતનવાસીઓઃ હરિપરમાં ૬૦ લોકો આવ્યા

ખંભાળીયા તા. રર :.. કલ્યાણપુરમાં પીજીવીસીએલ. માં ઇજનેર તરીકે ફરજ બજાવતા અને કલ્યાણપુર તા.ના ટંકારીયા ગામે રહેતા અલ્પેશભાઇ બાબુભાઇ પ્રજાપતિ ઉ.૪૩ ૧૯-૬-ર૦ ના રોજ મહેસાણાથી આવેલા તથા ત્યાંથી પોતાની કારમાં એક માત્ર પોતે જ ત્યાંથી આવેલા ર૦-૬-ર૦ ના રોજ તાવ સાથેના કોરોનાના લક્ષણો જણાતા તેમનું ટેસ્ટીંગ કરવામાં આવતા ગઇકાલે રાત્રે તેમનો પોઝીટીવ કેસ નીકળતા તેમને ખંભાળીયાની સરકારી હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર શરૂ કરી દેવામાં આવી હતી.

જો કે આ કેસ પણ અન્ય કેસોની જેમ બહારથી આગમન થયેલાનો પોઝીટીવ કેસ થયો છે. હાલ ખંભાળીયાના ૩ દર્દીઓ જામનગર સારવાર લઇ રહ્યા છે. જયારે એક ભાણવડમાં છે અને હાલના દર્દી ખંભાળીયા છે.

આ કોરોનાનો ર૦ મો પોઝીટીવ કેસ થયો છે તથા ભાણવડના વર્ષાબેનનો કેસ અમદાવાદ ગણાયેલ હતો તે ગણતા ર૧ થાય છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઘણા વ્યકિતઓ મુંબઇ તથા ખાસ કરીને ભીવંડીમાં રહેતા ખંભાળીયા તાલુકાના હરિપરના ૬૦ જેટલી વ્યકિતઓ મુંબઇથી પરત ખંભાળીયા આવ્યા છે.

મુંબઇ મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી ખૂબ જ ફેલાયેલી હોય તથા ત્યાં ધંધા પણ ના હોય વતનની મુલાકાત લઇને જો અહીં કંઇક થાય તો અહીં જ રહેવું એમ માનીને આ પરિવારો મુંબઇથી અહીં આવી ગયા છે.

જો કે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રીના જાહેરનામા અનુસંધાને મુંબઇ મહારાષ્ટ્રમાંથી આવતા લોકોને ૧૪ દિવસ સરકારી કોરેટાઇન રાખવામાં આવતા હોય આ તમામ લોકોને પણ હરિપર સરકારી પ્રાથમિક શાળામાં તથા હરીપરની અન્ય શાળા ઝાખરીયા વિદ્યાલયમાં કોરેટાઇન કરાયા છે તથા ગાર્ડ પણ દેખરેખ માટે રખાયા છે તથા તેમના પરિવારોને ત્યાંથી ભોજન વ્યવસ્થા કરાઇ છે.

હરિપરના સરપંચશ્રી દ્વારા બન્ને સ્થળોએ અંગત રીતે દેખરેખ રાખીને વ્યવસ્થા સફાઇ તથા નિયમીત ચેકીંગની પણ વ્યવસ્થા કરાઇ છે.

(2:52 pm IST)