Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કલ્યાણપુરના મેવાસા ગામે ૧૪.૪ર કરોડની ખનીજ ચોરી પકડાઇઃ ૭ શખ્સોની ધરપકડ

અઢી કરોડના સાત વાહનો કબ્જેઃ રેન્જ ડીઆઇજી સંદીપસિંહના માર્ગદર્શન હેઠળ આર. આર. સેલ.નો સપાટો

તસ્વીરમાં ખનીજ ચોરીમાં કબ્જે કરાયેલ વાહનો નજરે પડે છે.

રાજકોટ તા. રર :.. દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પોલીસ મથકના મેવાસા ગામની સીમમાં રાજકોટ રેન્જના આર. આર. સેલે દરોડો પાડી ૧૪.૪ર કરોડની ખનીજ ચોરી પકડી પાડી ૭ શખ્સોની ધરપકડ કરી હતી.

રાજકોટ રેન્જમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ નાબુદ કરવા સંદીપ સિંહ નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ રેન્જએ આર. આર. સેલને કડક હાથે કામગીરી કરવા સુચના કરેલ જે અન્વયે પો. સ. ઇ. તથા સ્ટાફના ડી. ડી. પટેલ જયદેવસિંહ જાડેજા, વિપુલભાઇ મોરી, કુલદિપભાઇ જાડેજા, શિવરાજભાઇ ખાચર તથા કૌશીકભાઇ  મણવર નાઓ કલ્યાણપુર પો. સ્ટે.ના ભાટીયા આઉટ પોસ્ટ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન મેવાસા ગામ ભોપામઢી વિસ્તારમાં ગામ સર્વે નં. ૧પર માં ડાડુભાઇ પીઠાભાાઇ કંડોરીયાની માલીકીની જમીનમાં બ્રેકર, હીટાચી મશીન તથા ડમ્પરો વળે જમીનમાંથી ખનીજ કાઢી હેરાફેરી કરતા ૩ એસ્કવેટર તથા ૪-ડમ્પરો ના ડ્રાઇવરો (૧) વાલાભાઇ કુલજીભાઇ પરમાર (ર) ભાવેશભાઇ ગોવાભાઇ સુવા (૩) રમેશભાઇ ભીખાભાઇ કરંગીયા (૪) હમીરભાઇ નગાભાઇ કાંબરીયા (પ) મારખીભાઇ નેભાભાઇ બેલા (૬) રતનજીભાઇ હમીરભાઇ મોરી (૭) ધાધાભા રાયમલભા કુરાણી રહે. બધા તા. કલ્યાણપુર જી. દેવભૂમિ દ્વારકા વાળાઓને ઉપરોકત વાહનો સાથે પકડી પાડી કલ્યાણપુર પો. સ્ટે. ખાતે આગળની જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ સોંપી આપ્યા હતાં.

ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા દેવભૂમિ દ્વારકા જીલ્લા દ્વારા સદર જગ્યાએથી કુલ રૂ. ૧૪,૪ર,૮૦,૦૦૦ ની ચોરી કરાયેલનુ જણાવતા ઉકત તમામ સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાવામાં આવેલ છે. આર. આર. સેલ.ના દરોડાથી ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(12:55 pm IST)