Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

કોરોના કાળમાં શ્રમિકોના આરોગ્યની વિશેષ કાળજી લેતો આરોગ્ય સંજીવની ધનવંતરી રથ

જામનગરમાં બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોનું આરોગ્ય પરીક્ષણ : ચાર માસમાં ૫૯૩૫થી વધુના નિદાન કરાયા

જામનગર,તા.૨૨: કોરોનાવાયરસની મહામારી વૈશ્વિક આફત બની ગઈ છે. જામનગરમાં પણ દિનપ્રતિદિન આ મહામારીના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે ત્યારે તંત્ર દ્વારા કોરોના કાળમાં શ્રમિકોના આરોગ્યની પણ વિશેષ દરકાર લેવાઇ રહી છે.જામનગરમાં વિવિધ વિસ્તારોમાં બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય સંજીવની હેઠળ ધનવંતરી રથ દ્વારા બાંધકામ સાઇટ પર જઇ સાઇટ પર કામ કરતા શ્રમિકોનું સ્થળ પર જ આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે. જેમાં ડોકટર દ્વારા સ્થળ પર શ્રમિકને તપાસી તેનું નિદાન કરી વિનામૂલ્યે દવા આપવામાં આવે છે. નિદાન દરમિયાન લેબોરેટરી તપાસની આવશ્યકતા જણાય તો રથમાં હાજર લેબ ટેકિનશિયન દ્વારા દર્દીના સેમ્પલની ચકાસણી પણ કરવામાં આવે છે. આ દરેક પ્રકારની પ્રક્રિયા સંપૂર્ણ નિશુલ્ક સેવા રૂપે કરવામાં આવે છે.

ગુજરાત સરકાર દ્વારા શ્રમિકોના તંદુરસ્ત સ્વાસ્થ્યને પણ સમાન મહત્વતા આપવામાં આવી રહી છે. રાજય સરકાર માટે દરેક ગુજરાતી, ગુજરાતમાં વસતો દરેક પ્રજાજન તંદુરસ્ત રહે તે માટે આરોગ્ય વ્યવસ્થાઓની દરેક માળખાગત સુવિધાઓ સજ્જ કરવામાં આવી છે.

કોરોનાવાયરસની મહામારીના આ કપરા કાળમાં શ્રમિકોને પોતાના કામના સ્થળ પર જ આરોગ્યલક્ષી સુવિધાઓ મળી રહે અને તેઓના કામનો દિવસ ન બગડે, તેમની રોજી ન અટકે તે માટે આ રથ દ્વારા વિશેષ કામગીરી કરાઈ રહી છે. ધનવંતરી રથના એમ.ઓ.એચ ડો. મયુરી પરમાર કહે છે કે, અઠવાડિયામાં રોજની ત્રણ અલગ-અલગ સાઇટ પર કામ કરતાં બાંધકામના શ્રમિકોની તેમના કામના સ્થળ પર જઈને દવા આપવામાં આવી રહી છે. કોરોનાની પરિસ્થિતિમાં લોકો પોતાની સામાન્ય તકલીફો માટે હોસ્પિટલ જતા ભય પણ અનુભવે છે અને વળી શ્રમિકોનો રોજીનો દિવસ પણ બગડતું હોવાથી તેઓ પોતે પણ સામાન્ય રીતે પોતાની તકલીફો માટે દવાખાને જવાનું ટાળતા હોય છે. આશરે રોજની ૧૦૦ જેટલી ઓ.પી.ડી અમે તપાસી છીએ અને તેમાં દરેક દર્દીને આવશ્યક દવાઓ પૂરી પાડીએ છીએ અને જો કોઇ દર્દી ડાયાબિટીસ, બી.પીની તકલીફ ધરાવતા હોય તો તે માટેની દવાઓ પણ દર્દીઓને આપવામાં આવે છે.આ સાથે જ જો કોઈ શ્રમિકને કોરોનાના લક્ષણ દેખાય તો તેમને જી.જી.હોસ્પિટલ માટે રીફર પણ કરીએ છીએ.

આરોગ્ય સંજીવની ધન્વંતરી રથનો લાભ લેતા બાંધકામ શ્રમિક શ્રી અબ્બાસભાઇ શમા કહે છે કે, સરકાર અમારા માટે અમારી પાસે આ ધનવંતરી રથ મોકલી અમને અમારા સાઈટ ઉપર જ દવાની સુવિધા અપાવે છે જે આ કોરોનાના સમયમાં અમારા માટે ખૂબ જ લાભદાયી છે તેથી આ સંવેદનશીલ સરકારનો આભાર.તો બાંધકામ શ્રમિક શ્રી લક્ષ્મીબેન પરમારે સરકારનો આભાર માનતા આ રથ દ્વારાપોતાના કામના સ્થળે જ પોતાને મળેલ સારવાર વિશે સંતોષ વ્યકત કર્યો હતો.

જામનગરમાં માર્ચ મહિનાથી લઈને હાલ ૧૮ જૂન સુધીમાં બાંધકામ સાઇટ પરના કુલ૫,૯૩૫ શ્રમિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી છે. જેમાં આવશ્યકતા ધરાવતા ૧,૦૦૦થી વધુ શ્રમિકોના લેબ ટેસ્ટ પણ ધન્વંતરી રથ દ્વારા કરી ચિકિત્સા કરવામાં આવી છે. ધનવંતરી રથના ડો. મયુરી પરમાર, લેબ ટેકનીશીયન રેખા પરમાર, પેરામેડીક નિકુંજ છૈયા અને પાઇલોટ દિનેશભાઇ ગમારા એટલું જ કહે છે કે, આ સમયમાં શ્રમિકોના આરોગ્યના હિતાર્થે અમે સતત કાર્યરત રહી જામનગરના શ્રમિકોની સેવા માટે તત્પર રહી કર્મ કરી રહ્યા છીએ અને સાથે જ શ્રમિકોને કોરોના વિશે જાગૃત કરી આ મહામારીને અટકાવવા લડત આપી રહયા છીએ.

સંકલન- દિવ્યાબેન ત્રિવેદી, માહિતીમદદનીશ

ફોટો- ગજેન્દ્રસિંહ જાડેજા, માહિતી બ્યુરો, જામનગર

(12:00 pm IST)