Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જુનાગઢ વિજાપુરના હીરાઘસુએ આર્થિક ભીંસમાં આવી જતાં રાજકોટની હોટેલમાં મોત મેળવ્યું

કડીયા યુવાને કરણપરાની હોટેલમાં ઝેર પી લીધું: બે સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૨૩: જુનાગઢના વિજાપુર ગામના વતની અતુલભાઇ છગનભાઇ મારૂ (ઉ.વ.૪૨) નામના કડીયા યુવાને રાજકોટના કરણપરામાં આવેલી હોટેલ સીટી પેલેસના રૂમમાં ઝેરી દવા પી આત્મહત્યા કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે. હીરા ઘસવાનું કામ કરતાં આ યુવાને જૂગારની કુટેવને કારણે દેણું થઇ જતાં આર્થિક ભીંસમાં આવી જતાં પગલુ ભરી લીધાની વિગતો બહાર આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શનિવારે વિજાપુરના અતુલભાઇ મારૂ રાજકોટની હોટેલમાં ઉતર્યા હતાં. રવિવાર બપોર બાદ સુધી તે રૂમમાંથી બહાર ન આવતાં અને કોઇ ચીજવસ્તુ પણ ન મંગાવતાં હોટેલના વેઇટરની શંકા જતાં તેણે મેનેજરને બોલાવી તપાસ કરાવી હતી. ફાયર બ્રિગેડ અને ૧૦૮ને જાણ કરવામાં આવી હતી. દરવાજો તોડીને તપાસ કરતાં અતુલભાઇ ઝેરી દવા પીધેલી હાલતમાં મળ્યા હતાં. ઇએમટી જયદિપભાઇ સબાડે તપાસીને મૃત જાહેર કરતાં એ-ડિવીઝનના પીએસઆઇ નિમાવત અને હેડકોન્સ. મુકેશભાઇ રબારી, દેવાંગભાઇ, ક્રિપાલસિંહ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.

મૃતકના આધારકાર્ડને આધારે તેના સ્વજનોને જાણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ આપઘાત કરનાર યુવાન ત્રણ ભાઇમાં વચેટ હતો અને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી છે. તે હીરા ઘસવાનું કામ કરતો હતો અને જુગાર રમવાની કુટેવ પણ હતી. આ કારણે અગાઉ દેણામાં ડુબી જતાં જમીન વેંચી પરિવારજનોએ દેણામાંથી ઉગાર્યા હતાં. હાલમાં ફરીથી આર્થિક ભીંસ અને દેણું થઇ જતાં ઘરેથી કંટાળીને નીકળી જઇ રાજકોટ આવી હોટેલમાં આપઘાત કરી લીધો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.

(11:45 am IST)