Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જામનગરમાં વર્ષ ૨૦૨૦ ના પ્રથમ સૂર્યગ્રહણના અદ્ભુત નજારાને નીહાળીને રોમાંચિત થયા ખગોળપ્રેમીઓ- યુવાનો અને વિદ્યાર્થીઓ

આજે વિશ્વ યોગ દિવસ ની સાથોસાથ સૂર્યગ્રહણનો પણ સંજોગ થયો

જામનગર; આજે રવિવારની રજાનો દિવસ લાખો બાળકો - યુવાનો - ખગોળપ્રેમીઓ માટે એક અવિસ્મરણિય સોગાત લઈને આવ્યો હતો. અવકાશી ઘટના સૂર્યગ્રહણના અદ્ભૂત નજારાને લાખો દર્શકોએ કેબલ ટીવી - ઈન્ટરનેટ વેબસાઈટ તેમજ ફેસબુક લાઈવના માધ્યમથી નીહાળી રોમાંચ અનુભવ્યો હતો.
આજે વિશ્વ યોગ દિવસ ની સાથોસાથ સૂર્યગ્રહણનો પણ સંજોગ થયો હતો. ઉત્તર ભારતના પ્રદેશોમાં કંકણાકૃતિ જ્યારે જામનગર સહિત ગુજરાત રાજ્યમાં ખંડગ્રાસ સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું.
જામનગરના ખગોળ મંડળ દ્વારા સુમેર સ્પોર્ટ્સ ક્લબ અને રંગતાલી ગ્રુપના સહયોગથી આજે સૂર્યગ્રહણના જાહેર નિદર્શનનો કાર્યક્રમ સવારે  ૧૦.૩૦ થી ૧૨.૦૦ વાગ્યા દરમિયાન સુમેર ક્લબના પટાંગણમાં યોજાયો હતો.
જેમાં, ૩ હાઈ ફિક્વન્સીવાળા ટેલિસ્કોપ સાથે કેમેરાને જોડી દઈ કેબલ ટીવી કનેક્શન ઉપરાંત ફેસબુક લાઈવ દ્વારાસમગ્ર શહેરના ઘરઘરમાં પ્રસારણ પહોંચતું કરવામાં આવ્યું હતું.
આજે વિશ્વ યોગ દિવસ પણ હોવાથી પતંજલિ યોગ પીઠના યોગ પ્રશિક્ષકો દ્વારા સ્થળ પર રજૂ કરાયેલા સૂર્ય નમસ્કાર સહિતના વિવિધ યોગાસનો પણ દર્શાવવામાં આવ્યા હતા.
સૂર્યગ્રહણના નિદર્શનની સાથોસાથ આ અવકાશી ઘટના સંદર્ભે ખગોળ વિજ્ઞાનના અભ્યાસુઓને ઉદભવતા જીજ્ઞાસાપૂર્વકના પ્રશ્નોનું 'ગુગલ મીટ' ના માધ્યમથી ડિબેટ સ્વરુપે જીવંત માર્ગદર્શન અપાયું હતું.
આ પ્રસંગે જામખંભાળિયાના ધારાસભ્ય વિક્રમભાઈ માડમે કાર્યક્રમના સ્થળે ઉપસ્થિત રહી નિદર્શન નીહાળ્યું હતું. જેમની સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી પરમાણંદભાઈ ખટર, જામનગરના પૂર્વ મેયર અને સુમેર સ્પોર્ટસ ક્લબના પ્રમુખ  રાજુભાઇ શેઠ, ઉપરાંત અગ્રણી બિલ્ડર પરાગભાઈ શાહ,વેપારી મહા મંડળ ના પ્રમુખ સુરેશભાઈ તન્ના સહિતના સુમેર સ્પોર્ટસ ક્લબના અન્ય મુખ્ય હોદ્દેદારો પણ જોડાયા હતા.
જામનગર ખગોળ મંડળના કિરીટભાઈ શાહ,કિરીટભાઈ વ્યાસ, અમિતભાઈ વ્યાસ, કપિલભાઈ સંઘવી, નિલેશભાઈ પડિયા અને યશોધનભાઈ ભાટિયા વગેરે દ્વારા જુદા-જુદા ત્રણ ટેલિસ્કોપ ગોઠવીને  નિદર્શન કરાવ્યું હતું. સાથોસાથ ડિબેટ પણ કરવામાં આવી હતી.
 જામનગરના વી. કે. સ્ટુડિયો વાળા વી. કે. જાડેજા અને તેમની ટિમ તરફથી સમગ્ર નિદર્શન કાર્યક્રમ નો અલગ-અલગ ચાર કેમેરાઓના માધ્યમથી સંકલન કરીને જામનગરના જય કેબલ નેટવર્ક અને જીટીપીએલ નેટવર્ક પરથી ટીવી માં પ્રસારણ કરવામાં આવ્યું હતું. તે જ રીતે જામનગરના નોબત ન્યુઝ પેપર, ખબર ન્યુઝ પેપર, ગ્રેવિટી ડેઇલી ન્યૂઝ પેપર, માય સમાચાર ડોટ ઈન, અને ખબર કનેક્ટ સહિતના ફેસબુક -યુટ્યુબ ના પેજ પરથી પણ લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું અને લોકોએ પોતાના ઘેર બેઠા ટેલિવિઝન પર તેમજ મોબાઇલ ફોનમાં સૂર્યગ્રહણ નિહાળ્યું હતું.
આ ઉપરાંત ગુજરાત રાજ્ય પતંજલિ યોગ સમિતિના પ્રમુખ જામનગર જીલ્લા સમિતિના પ્રમુખ અને સમસ્ત બ્રહ્મસમાજ કચ્છ-સૌરાષ્ટ્રના મહિલા પ્રમુખ પ્રીતિબેન શુક્લ દ્વારા પ્રાર્થના, સૂર્યનમસ્કાર આસનો પ્રાણાયામ વગેરે ના પ્રયોગો પણ રજૂ કરવામાં આવ્યા હતા

(8:30 pm IST)