Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

કચ્છના અંજારમાં સગીરાને ઇન્જેકશન આપીને દુષ્કર્મઃ અડધુ અંગ ખોટુ પડી ગયું

ભુજ, તા., રરઃ અંજારના નાની નાગલપર ગામની ૧૩ વર્ષની સગીરાને અંજારના શેખટીંબા પાસે રહેતી મહિલાના ઘરમાં બોયફ્રેન્ડે ઇન્જેકશન આપી દુષ્કર્મ ગુજાર્યુ છે. જો કે સગીરાને ઇન્જેકશનની આડઅસર થઇ છે. ઇન્જેકશનના કારણે સગીરાનું અડધુ અંગ અચેતન થઇ ગયું છે. બળાત્કારનો બનાવ ગત સોમવારે બન્યો હતો. શહેરના શેખટીંબા વિસ્તારમાં સ્કુલ પાસે રહેતી ભકિત નવીન હડીયા નામની મહિલાએ સગીરાને તેના ઘેર બોલાવી હતી.

બાદમાં સગીરાનો બોયફ્રેન્ડ યોગેશ મોહન મહેશ્વરી ભકિતના ઘેર આવ્યો હતો. અહી તેણે સગીરાને ઇન્જેકશન આપ્યા બાદ તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બનાવ અંગે અંજાર પોલીસે સગીરાના પિતાની ફરીયાદ લઇ ભકિત નવીન હડીયા અને યોગેશ મોહન મહેશ્વરી વિરૂધ્ધ પોલીસે આઇપીસી ૩૭૬, ૩ર૮ અને પોકસો એકટની કલમ ૮-૧૭ મુજબ ગુનો દાખલ કર્યો છે.

ઘટનાની તપાસ કરી રહેલા અંજારના મહિલા પીએસઆઇ એમ.બી.શેરગીલે જણાવ્યું કે, ઇન્જેકશન આપ્યા બાદ થોડીક મીનીટો સુધી સગીરાને તેની કશી અસર થઇ નહોતી. બાદમાં એકાએક સગીરાની કમર નીચેના ભાગમાં લકવો થઇ ગયો. સગીરાને તેના પરીવારજનો સરકારી હોસ્પીટલે સારવાર માટે લઇ ગયા હતા.

પ્રાથમીક તપાસમાં સ્પષ્ટ થયું છે કે યોગેશ કોઇ દવાની દુકાનમાં કામ કરે છે. તેણે આપેલા ઇન્જેકશનના ઓવરડોઝથી સગીરાને આડઅસર થઇ ગઇ હતી. હાલ  ખોટા પડી ગયેલા અંગો ધીમે ધીમે રીકવર થઇ રહયા છે. આરોપી ભકિતએ જ સગીરાની યોગેશ સાથે ફ્રેન્ડશીપ કરાવી આપી હોવાનું બહાર આવ્યું છે. યોગેશે સગીરાને કઇ દવાનું ઇન્જેકશન આપ્યું હતું તે અંગે પોલીસ તપાસ ચલાવે છે તેમ અંજારના પીએસઆઇશ્રીએ જણાવ્યંુ હતું. (૪.૬)

 

(4:31 pm IST)