Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

બંદર ખાતાનાં કર્મચારીઓ પેન્શનરોના અણઉકેલ પ્રશ્નો મુદ્દે બુધવારે પ્રતિક ધરણા

રાજકોટ તા.૨૨ : ભારતીય મઝદૂર સંઘ સંલગ્ન શ્રી ગુજરાત પોર્ટ એન્ડ ડોક કર્મચારી મહાસંઘ દ્વારા ગુજરાત મેરીટાઇમ બોર્ડ નિયંત્રણ હેઠળના વિવિધ બંદરો ઉપર ફરજો બજાવતા કર્મચારીઓ તથા પેન્શનરોના વિવિધ અણઉકેલ પ્રશ્નો અંગે વડી કચેરી સાથે યુનિયન મીટીંગ યોજીને રજૂઆત કરવા છતા કર્મચારીઓના પડતર પ્રશ્નોનું નિરાકરણ ન થતા તા. ૨૭ના ગુજરાતના તમામ બંદરો ઉપર પ્રતિક ધરણાનો કાર્યક્રમ યોજવાનું નકકી કરવામાં આવેલ છે. આ અંગે મહાસંઘના મહામંત્રી મુકેશભાઇ એમ.શુકલએ બોર્ડના સક્ષમ અધિકારીને લેખીતમાં નોટીસ આપીને જાણ કરેલ છે.

ગુજરાત મેરીટાઇમ બોર્ડના કર્મચારીઓના પડતર પ્રશ્નોમાં મુખ્યત્વે વર્ગ - ૩ની ૪૦ જગ્યાઓ મંજૂર કરેલ છે. આ જગ્યા ઉપર વર્ક ચાર્જ શ્રી દો.પ.સ. લાભાર્થી કર્મચારીઓને કાયમી મહેકમમાં નિમણુંક આપવી, ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓના આશ્રીતને આર્થિક સહાય ચુકવવા, વર્ગ ૪ માંથી વર્ગ ૩માં નિમણુંક પામેલા કર્મચારીઓને ઉ.પ.ધો.નો લાભ આપવા, ફલોટીલા વિભાગના કર્મચારીઓને પ્રમોશન આપવા સને ૧૯૮૮ પછી દાખલ થયેલ રોજમદાર કર્મચારીઓને છઠ્ઠા અને સાતમા પગાર ધોરણનો લાભ આપવા, પેન્શનરોને સાતમાં પગારપંચ પ્રમાણે ત્વરીત પેન્શન ચુકવવા, કર્મચારીઓની અગ્રતાપદ યાદી બનાવવા તથા વેરાવળ, પોરબંદર, નવલખી, ઓખા વગેરે બંદરોનું અન્ય પ્રશ્નોનું પણ નિરાકરણ કરવા માંગણી કરેલ છે.

મોરબી ખાતે બંદર કચેરી સામે મહાસંઘના પ્રદેશ મહામંત્રી મુકેશ એમ.શુકલના માર્ગદર્શન હેઠળ નવલખી - મોરબી યુનિટના હોદ્દેદારો તથા બંદર ખાતાના સર્વે કર્મચારીઓ આ પ્રતિકધરણાના આંદોલનાત્મક કાર્યક્રમમાં જોડાશે તેમ સ્થાનિક સંઘના મંત્રી વી.જે.સુમળની યાદીમાં જણાવ્યું છે.

(11:27 am IST)