Gujarati News

Gujarati News

News of Friday, 22nd June 2018

મોરબીના ડોકટરે કમળો નહોતો થયો છતાં તેની દવા કરીઃ દક્ષાબેન મોરડીયાનું મોત

માળીયા મિંયાણાના ખાખરેચીના કડવા પટેલ મહિલાએ રાજકોટમાં દમ તોડ્યો : પરિવારજનોએ તબિબી બેદરકારીનો આક્ષેપ કરતાં લાશનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૨૨: માળીયા મિંયાણાના ખાખરેચી ગામમાં રહેતાં દક્ષાબેન ઘનશ્યામભાઇ મોરડીયા (ઉ.૪૫) નામના કડવા પટેલ મહિલાને મોરબીમાં ખાનગી તબિબે કમળો થયાનું કહી સારવાર માટે દાખલ કરતાં અને બાદમાં આ મહિલાને રાજકોટ ખસેડવામાં આવતાં તેને કમળો જ નહિ હોવાનું અહિના તબિબે જણાવતાં પરિવારજનો ચોંકી ગયા હતાં. આ મહિલાએ દમ તોડી દેતાં મોરબીના તબિબે બેદરકારી દાખવ્યાનો સ્વજનોએ આક્ષેપ કરી રોષ ઠાલવતાં લાશનું પોસ્ટ મોર્ટમ ફોરેન્સિક નિષ્ણાંત દ્વારા કરાયું છે.

દક્ષાબેનના જેઠ રાજેન્દ્રભાઇ રાઘવજીભાઇ મોરડીયાએ જણાવ્યું હતું કે દક્ષાબેન સાતેક દિવસ પહેલા બિમાર પડતાં મોરબીની ખાનગી હોસ્પિટલ જીવનદિપમાં દાખલ કરાયા હતાં. ત્યાં તબિબે કમળો થયો છે, તેવું નિદાન કરી સારવાર માટે દાખલ કર્યા હતાં. છએક દિવસ ત્યાં રહ્યા બાદ રજા અપાતાં અડધા કલાક બાદ જ તબિયત બગડી હતી અને આખા શરીરે ચાંભા પડી ગયા હતાં. આથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. અહિ તબિબે ફરીથી રિપોર્ટ કરાવતાં દક્ષાબેનને કમળો થયો જ નહિ હોવાનું ખુલ્યું હતું. મોરબીના તબિબે ખોટી રીતે દવા આપતાં રિએકશનથી હાલત બગડી ગયાનું અને એ કારણે દક્ષાબેનનું મોત નિપજ્યાનું અમારું માનવું છે. તેમ વધુમાં રાજેન્દ્રભાઇએ જણાવતાં પોલીસે લાશનું પોસ્ટ મોર્ટમ ફોરેન્સિક નિષ્ણાંત પાસે કરાવ્યું છે.

મૃતકના પતિ ખેતી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બનાવથી કડવા પાટીદાર પરિવારમાં શોક છવાઇ ગયો છે.

(11:25 am IST)