Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd May 2019

લ્યો હવે ડુપ્લીકેટ ખાતર ઝડપાયુઃ ૮ની ધરપકડ

જસદણનાં સોમ પીપળીયામાં ૮૪૩ બોરીઓ જપ્તઃ સરદાર ડીએપી અને એપીએસ બ્રાન્ડનો દુર ઉપયોગઃ રૂ. ૧૪.૬૦ લાખનો મુદામાલ જપ્ત

આટકોટ તા. રર :.. જસદણનાં સોમ પીપળીયા ગામેથી ચોકકસ બાતમીના આધારે જસદણ પોલીસે દરોડો પાડી ડુપ્લીકેટ ખાતરની ૮૪૩ બોરી જપ્ત કરી સ્થળ ઉપરથી આઠ આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડા બાદ આ શખ્સો પાસેથી  ખાતરની બોરીઓ લઇ ગયેલા ખેડૂતોમાં ભારે રોષ ફાટી નિકળ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ જસદણ પોલીસમાં ફરજ બજાવતા હેડ કોન્સ. કિરીટભાઇ અનાકભાઇ ખાચરને મળેલ ચોકકસ બાતમીા આધારે જસદણનાં સોમ પીપળીયા ગામની સીમમાં ઇન્દુ ભાયા સરૈયા જાતે ભરવાડ ઉ.વ. ૪પ ની વાડીએ દરોડો પાડતા વાડીમાં આવેલા મકાનમાં નિર્મલ પાવરની ખાતરની થેલીઓ ખાલી કરી ઉચ્ચ કવોલીટીના ખાતરની બેગ ભરતા રંગે હાથે આઠ આરોપીને ઝડપી પાડી સ્થળ ઉપરથી ૮૪૩ બોરી ખાતર જેની કિંમત આશરે રૂ. ૮ લાખ અને આઇસર ટ્રક તેમજ યુટીલીટી પિકપ જીપ કિંમત રૂ. સાડા ચાર લાખ રૂપિયા તેમજ સિલાઇ મશીન સહિત કુલ ૧૪ લાખ ૬૦ હજારનો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વિગતો મુજબ જસદણ તાલુકાના આંબરડી ગામે રહેતો ઇલ્યાસ હુસેન ખીમાણી સોમ પીપળીયા ખાતે ઇન્દુ ભાયા સરૈયાની  વાડીમાં નબળી ગુણવતાનું ખાતર લાવી ગુજરાત સ્ટેટ ફર્ટીલાઇઝર કંપની દ્વારા ઉત્પાદીત સરદાર ડીએપી તથા સરદાર એપીએસ બ્રાન્ડની બેગોમાં ભરી ખરા તરીકે વેંચાણ કરતાં હતાં.

જસદણ પોલીસે દરોડા દરમિયાન મુખ્ય આરોપી ઇલ્યાસ હુસેન ખીમાણી, રે. આંબરડી, ઇન્દુ ભાયા સરૈયા રે. સોમ પીપળીયા, અરજણ સોમા કળોતરા (રબારી), રે. સુદામડા, કિરણ ભરત ગાબુ રે. સુદામડા, જયેશ વનરાજ ગાબુ રે. સુદામડા, જયેશ વનરાજ ગાબુ રે. સુદામડા, વાઘા આપા ત્રમટા રે. સુદામડા, રાજુ જીલુ જળુ, રે. સુદામડા વાળાની ધરપકડ કરી રીમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે રાજયમાં અનેક જગ્યાએથી ખાતરની થેલીઓમાં ઓછો વજન નિકળ્યાનું બહાર આવ્યુ છે ત્યારે જસદણ પંથકમાંથી ડુપ્લીકેટ ખાતર ઝડપાતા જગતનાં તાતની કઠણાઇઓનો પાર નથી.

આ ખાતર લઇ ગયેલા ખેડૂતો પણ ભારે રોષે ભરાયા છે અને આરોપી સામે કડક પગલા ભરવા માંગણી કરી છે.

જો કે ઝડપાયેલા આઠ આરોપીના મોટા ભાગના મજૂરો છે જયારે મુખ્ય આરોપી ઇલ્યાસ ખીમાણી હોવાનું પોલીસે જણાવ્યું છે.

આજે બધા આરોપીને જસદણ કોર્ટમાં રજૂ કરી સરદાર ડીએપી અને એપીએસ બ્રાન્ડની થેલીઓ કયાંથી લાવતા હતાં અને આ ડુપ્લીકેટ ખાતરનું કયાં કયાં વેચાણ કર્યુ છે તેવા કારણો રજૂ કરી રીમાન્ડ મંગાશે.

આ બનાવની વધુ તપાસ જસદણના પીઆઇ વી. આર. વાણીયા ચલાવી રહ્યા છે.

(11:34 am IST)