Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

જુનાગઢ ખાતે રાષ્ટ્રસંત પૂ.નમ્રમુનિ મ.સા. પ્રેરિત પાંચ દિવસીય યુવા સંસ્કાર શિબિર સંપન્ન

પૂ. પરમ સંબોધીજી મ.સ. આ.ઠા.૮ની નિશ્રાઃ રાજકોટ,વડોદરા,જુનાગઢ, જામનગર, જેતપુર,ગોંડલ,વડીયા સહિતના ક્ષેત્રોમાંથી ૧૦૦ ઉપરાંત શિબીરાર્થીઓએ પાંચ દિવસ શિબિરનો લાભ લઈ દિવ્ય અનુભૂતિ કરી

રાજકોટઃ તા.૨૨,  પ્રભુ નેમનાથની પાવન એવમ્ પવિત્ર ભૂમિ ઉપર જુનાગઢ ' માતુશ્રી કાંતાબા જૈન સંકુલ' ખાતે ભાવિના ભગવાન જેવી  ૧૦૦ ઉપરાંત બાલિકાઓએ શિબિરનો લાભ લઈ વેકેશનનો સધ્પયોગ કર્યો.

ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્ર સંત પૂ.ગુરુદેવ નમ્ર મુનિ મ.સા.પ્રેરિત પૂજય પરમ સંબોધીજી મહાસતિજી આદિ ઠાણા ૮ ના પાવન સાનિધ્યમાં તા.૧૭  થી ૨૧ પંચ દિવસીય 'યુવા સંસ્કાર શિબિર' નું આયોજન કરવામાં આવેલું. ધોમધખતા તાપની પરવા કર્યા વગર રાજકોટ, બરોડા, જુનાગઢ, જામનગર,  ગોંડલ, જેતપુર, વડીયા આદિ ક્ષેત્રોમાંથી ૧૦૦ ઉપરાંત શિબીરાર્થીઓએ શિબિરમાં ભાગ લીધેલ. પાંચ દિવસીય શિબીરમાં પૂ.પરમ સંબોધીજી, પૂ.પરમ પવિત્રતાજી, પૂ.પરમ તપસ્યાજી, પૂ.પરમ દિવ્યતાજી, પૂ.પરમ ઋજુતાજી, પૂ.પરમ ઋષિતાજી, પૂ.પરમ પાવનતાજી, પૂ.પરમ વિભૂતિજી આદિ સતિવૃંદે  જૈન દર્શનના વિવિધ વિષયો ઉપર સરળ શૈલીમાં ધર્મનો મર્મ સમજાવેલ. આઠ કર્મોની વિશદ્ છણાવટ સાથે વિવિધ ગતિઓની દરેક શિબિરાર્થી બાલિકાઓને અનુભૂતિ કરાવેલ.જૈનાગમોમાં આવતી પ્રેરક ધર્મ કથાઓ પરદેશી રાજા, જીત શત્રુ રાજા વગેરે બોધ કથાઓનું શ્રવણ કરાવેલ. ર્ંસમગ્ર વિશ્વ પાણી માટે ચિંતીત છે ત્યારે સુબુધ્ધિ નામના પ્રધાને જળ શુધ્ધિનો પ્રયોગ કરી રાજાને બોધ પમાડેલ તે દરેક શિબિરાર્થીઓને સમજાવી પાણી અને અપકાયના જીવોને અભયદાનમાં નિમિત બનવા સમજાવેલ.

પૂ.પરમસાધ્વીજીઓએ શિબિરાર્થીઓને કહ્યું કે જીવનમાં આપણી સાથે જયારે અણગમતી ઘટના ઘટે કે પ્રસંગ ભજવાય ત્યારે ચિંતન કરવાનું કે મારી સાથે આ કશું જ નવું કે આશ્ચર્યકારક નથી થયું પરંતુ ભૂતકાળમાં મારા આત્માએ પણ કોઈક જીવાત્માઓ સાથે  આવું જ કાંઈક કરેલું હશે, તેનું જ આ ફળ છે.

પ્રથમ જ વખત શિબિરમાં ગયેલી દેવાંશી ભાયાણીએ કહ્યું કે અમો દરેકને અલૌકિક અનુભવ થયો. ખૂબ જ અવનવું જાણવા - માણવા મળ્યું. રાત્રે પણ ભકિતમાં પણ સૌ શિબિરાર્થીઓ તરબોળ થઈ જતાં. પાંચ દિવસ કયાં પસાર થઈ ગયાં તે ખ્યાલ જ ન રહ્યો. શિબિરમાં એક દિવસ જુનાગઢના દિવ્યાંગોને આમંત્રણ આપી તેઓને ભોજન કરાવવામાં આવેલ અને શિબિરાર્થીઓને સમજાવવામાં આવેલ કે અત્યારે તમોને પૂણ્યોદયે શરીરના દરેક અંગો પરીપૂણ  મળેલ છે તેનો સધ્પયોગ કરજો, જો દૂરપયોગ કરશો તો ભાવિમાં અશાતા જ મળશે. દરેકને આંખ ઉપર પાટા બાંધીને પ્રેકટીકલ કરાવેલ કે હવે તમે ચાલો જોઈએ, હાથ ન હોય તો કેવી તકલીફ થાય કેવી રીતે ભોજન કરવું વગેરે પૂ.મહાસતિજીઓ શિબિરાર્થીઓને તિયઁચના ભેદ સમજાવેલ તથા અલગ - અલગ ગતિની તથા નિગોદની અનુભૂતિ કરાવેલ કે અનંતા જીવો એક શરીરમાં કેવી રીતે રહેતાં હશે ? કોઈ કયારેક કડુ - કડીયાતુ પીવરાવેતો તો કેવું લાગે ત્યારે નારકીના જીવોને યાદ કરવાના કે આ જીવો  ધગધગતું સીસુ કેમ સહન કરતાં હશે ? માટે મારે હવે કર્મ બાંધતા સાવચેત રહેવું છે.

આયોજકો તરફથી દરેક શિબિરાર્થીઓને આકર્ષક શિબિર સ્મૃતિ સંભારણું આપવામાં આવેલ

(4:18 pm IST)