Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

ગોંડલના હડમતાળામાં પ્રદુષણ મુદ્દે તંત્રની ખાત્રી : ઉપવાસ આંદોલન સમેટાયું

ગેસ ગળતર મુદ્દે પોલીસ કાર્યવાહી કરવાની તંત્રએ ખાત્રી આપી : વિક્રમસિંહ જાડેજા

રાજકોટ, તા. રર : ગોંડલ તાલુકાના હડમતાળામાં પ્રદુષણ મુદ્દે ચાલતા ઉપવાસ આંદોલનનો તંત્રએ ખાત્રી આપતા ચોથા દિવસે અંત આવ્યો છે.

હડમતાળા જીઆઇડીસીમાં પ્રદુષણ સામે લડત આપી આમરણાંત-અનશન કરી રહેલા વિક્રમસિંહ જાડેજાની તબિયત ઉપવાસ આંદોલનના ત્રીજા દિવસે લથડતા કોટડાસાંગાણી પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા. પ્રદુષણના મુદે ચાલી રહેલ ઉપવાસ આંદોલન કાલે ચોથા દિવસમાં પ્રવેશ્યું હતું.

હડમતાળા જીઆઇડીસીમાં ફાર્મા ફેકટરીઓ દ્વારા ઝેરી ગેસ સહિત પ્રદૂષણ ફેલાતું હોવાની ફરીયાદ સાથે કોટડાસાંગાણી મામલતદાર કચેરી સામે આંદોલન શરૂ કરાયું હતું. જેમાં ગત સાંજથી આમરણાંત-અનશન ઉપર ઉતરેલા વિક્રમસિંહ જાડેજાની તબિયત લથડતા નબળાઇ અને ચક્કરની ફરીયાદ કરતા કોટડાસાંગાણી હોસ્પિટલની તબીબ સીવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

બીજી બાજુ ઉપવાસી છાવણીમાં રાજુભાઇ સખીયા, લખધીરસિંહ જાડેજા સહિતનાએ ચોથા દિવસે પ્રતિક અનશન ચાલુ રાખ્યા હતાં.

કોટડાસાંગાણીના મામલતદારશ્રીએ પારણા કરાવતા અમારી લડતને અમે હાલ પૂરતો વિરામ આપ્યો છે તેમ ઉપવાસ આંદોલનના મંડાણ કરનાર વિક્રમસિંહ જાડેજાએ જણાવ્યું હતું.

તેઓએ વધુમાં જણાવ્યું કે ગેસ ગળતર મુદે પોલીસ કાર્યવાહીકરવાની ખાત્રી આપી હતી. (૮.૬)

(12:56 pm IST)