Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

જામનગર જીલ્લાના લાલપુર તાલુકામાં સુજલામ સુફલામ જળસંચય અભિયાનના કામોનું નિરિક્ષણ કરતા આર.સી.ફળદુ

જામનગર, તા.૨૧: સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત લાલપુર તાલુકાના સિંકગચ. આરબલુસ અને ડબાસંગ ગામે જળાશયો ઉંડા ઉતારવાની કામાગીરીનું રાજયના કૃષિ મંત્રીશ્રી આર.સી.ફળદુએ નિરિક્ષણ કર્યુ હતુ અને તેમણે ખેડુતોને તળાવ ઉંડા કરવાની કામગીરીમાં સહયોગી બનવા તથા તળાવની માટીનો ખેતીમાં ઉપયોગ કરવા જણાવ્યુ હતું.

મંત્રીશ્રી સૌપ્રથમ સિંગચ પહોચ્યા હતા. ગામના તળાવમાં એક જેસીબી મશીન વડે ખોદાણ કામગીરી ચાલતી હતી અને દશેક ટ્રેકટર દ્વારા ખેડુતો માટીનું વહન કરતા હતા. મંત્રીશ્રીએ સિંગચના ખેડુતો સાથે મીટીંગ પણ કરી હતી. મંત્રીશ્રીનું સિંગચના ગ્રામજનો દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતુ. સિંગચની સોલ્ટ કંપની દ્વારા રૂ.૧.૨૬ લાખના ખર્ચે તળાવ ઉંડા ઉતારવાનું કામ હાથ ધરવામાં આવશે.

બાદમાં મંત્રીશ્રીએ લાલપુર તાલુકાના આરબલુસ, અને ડબાસંગ ગામના તળાવોનું નિરિક્ષણ કર્યુ હતુ. આ ગામોના તળાવો નોંધપાત્ર રીતે ઉંડા થયેલા નિહાળી મંત્રીશ્રીએ ખુશી વ્યકત કરી હતી.  

આ પ્રસંગે તેમણે કહ્યુ હતુ કે, તળાવો ઉંડા થશે તો ચોમાસામાં વધુ પાણીનો સંગ્રહ થશે. જેનો ફાયદો સમગ્ર જીવસૃષ્ટીને થશે. તળાવની માટી પણ ખેડૂતોને ગુણવત્તાયુકત પાક લેવા ઉપયોગી થશે. આ જળભિયાન ભવિષ્યમાં મોટુ પરિણામ આપશે.

પૂર્વ મંત્રીશ્રી ચિમનભાઇ શાપરીયાએ રાજય સરકારના અતિ મહત્વના સુજલામ સુફલામ જળસંચય અભિયાનની વિગતવાર માહિતી સિંગચના મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોને આપી હતી. મંત્રીશ્રીની મુલાકાત વેળાએ અગ્રણીઓ સર્વેશ્રી ભોવાનભાઇ ચૌહાણ, સુરેન્દ્રસિંહ જાડેજા, ગોરધનભાઇ રાઠોડ, ગોવુભા જાડેજા, પવિણસિંહ જાડેજા, નાયબ કાર્યપાલ ઇજનેરશ્રી ચૌધરી, તલાટીશ્રી ઇમરાનભાઇ જુણેજા, એસ્સાર કંપનીના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. ગામના ૨૦ થી ૨૫ ખેડૂતો તળાવની માટી પોતાના ખેતરમાં લઇ આવ્યા છે.  તળાવની માટીથી પાક ગુણવત્ત્।ાસભર બને છે તેવુ લાલપુર તાલુકાના સિંગચ ગામના ખેડૂત ભોવાનભાઇ ચૌહાણે કહ્યુ હતું. તેઓ વધુમાં કહે છે કે, રાજય સરકારના સુજલામ સુફલામ જળસંચય અભિયાનના લીધે અમારા ગામનાનું તળાવ નોંધપાત્ર એવુ ઉંડુ થઇ ગયુ છે. જેથી પાણીના સ્તર ઉંચા આવશે. આવતા વર્ષે પાક પણ ડબલ મળે તેવી આશા છે. અમારા ગામમાં ૧૦ થી ૧૫ જેટલા ખેડૂતો પોતાના ટ્રેકટર લઇને માટી કઢાવી રહ્યા છે. અમારૂ ગામ સંપૂર્ણ લોકભાગીદારીથી જળ અભિયાનમાં સહયોગી બન્યુ છે.

(12:03 pm IST)