Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પ્રિ-મોન્સુનના આગોતરા આયોજન અંગે જામનગર કલેકટર રવિશંકરના અધ્યક્ષ સ્થાને સમિક્ષા બેઠક

જામનગર, તા.૨૨: જામનગર કલેકટર કચેરીના સભા ખંડમાં આગામી ચોમાસાને ધ્યાને લઇને કલેકટરશ્રી રવિશંકરના અધ્યક્ષ સ્થાને પ્રિ-મોન્સુન અંગેની સમિક્ષા બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્લાના સબંધિત અધિકારીશ્રીઓને આગામી ચોમાસા દરમ્યાન ભારે વરસાદ, વાવાઝોડુ, માલ-સામાનની નુકશાની બાબતે પગલાં લેવા માટેનું આગોતરૂ આયોજન કેવી રીતે ગોઠવવુ તે અંગે જરૂરી માર્ગદર્શન અને સુચનો કર્યા હતા. આ સમય દરમ્યાન થનાર નુકશાનને પહોંચી વળવા માટે આગોતરા આયોજનથી દરેક તાલુકાના એકશન પ્લાન તૈયાર કરી જિલ્લા વહીવટી તંત્રને મોકલી આપવા, દરેક કચેરીએ નોડલ અધિકારીની નિમણૂંક કરી જાણ કરઈ, દરેક ગામમાં નુકશાન થાય તો તલાટીમંત્રીએ જાણ કરવાની રહેશે. અંદાજીત નુકશાનની વિગત તાત્કાલીક આપવા, વાવાઝોડુ આવે તો એન.ડી.આર.એફ.ની ટીમ તૈયાર રાખવા અને નુકશાન થાય ત્યારે તાત્કાલીક સર્વે કરવા તેમજ ચેતવણીના સંદેશા ઇ-મઇલ દ્વારા જાણ કરવામાં આવશે. આ સમયે કોઇ અધિકારી કે કર્મચારીની રજા મંજુર કરવી નહી તેમજ ફુડ પેકેટ તૈયાર રાખવા, તાલુકા અધિકારીઓએ મીટીંગ કરી પૂર્વ તૈયારીની જાણ કરવી, જે.સી.બી. મશીનની યાદી તૈયાર રાખવી, તરવૈયાઓની યાદી રાખવી, ડેમ સાઇટના કર્મચારીઓની અદ્યતન યાદી તૈયાર રાખવી અને ડેમ પર કર્મચારી નિયમિત હાજર રહે અને સમયસર ડેમના દરવાજા ખોલવામાં આવે તે જોવાનું રહેશે. શોર્ટસર્કિટના  બનાવો ન બને તે અંગે પીજીવીસીએલને તકેદારી રાખવી, ગટરો - નાળાઓની સાફ સફાઇ રાખવી, ફિશરીઝ બોટની યાદી તૈયાર રાખવી, લેબર ઓફીસરનો સંપર્ક કરીને સોલ્ટ વિભાગના અગરીયાઓની યાદી તૈયાર કરવી, પાણી પુરવઠા બોર્ડે પીવાના પાણીનો જથ્થો ઉપલબ્ધ રાખવો, બી.એસ.એન.એલ. વિભાગે ટેલીફોન બંધ ન રહે તે અંગેની કામગીરી કરવી, ફોરેસ્ટ વિભાગે પડી ગયેલ ઝાડ કાપવા માટે કટર તૈયાર રાખવા, ખેતીને નુકશાન થાય ત્યારે ખેતીવાડી શાખાએ નુકશાની અંગે સર્વે કરી જાણ કરવા વગેરે અંગે કલેકટરશ્રીએ સુચનો કર્યા હતા.    

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશસ્તિ પરીક, નિવાસી અધિક કલેકટરશ્રી એચ.આર.કેલૈયા તેમજ સબંધિત જિલ્લા કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:02 pm IST)