Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

માંગરોળના નાંદરખીમાં બે જુથ વચ્ચે લોહિયાળ ધિંગાણું યુવાનની હત્યા

ધૂળેટીની બપોરે જમીનનાં મનદુઃખથી સામસામો હુમલો-બંને પક્ષની ૮ વ્યકિતને ઇજા

જૂનાગઢ તા.રરઃ માંગરોળના નાંદરખી ગામે ગઇકાલે  ધૂળેટીની બપોરે બે જુથ વચ્ચે લોહિયાળ ધિંગાણું ખેલાયું હતું. જેમાં એક યુવાનની હત્યા થયેલ અને બંને પક્ષના આઠ માણસોને ઇજા થઇ હતી.

આ બનાવથી નાના એવા નાંદરખી ગામમાંં સોપો પડી ગયો હતો.

ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે.

આ અંગેની વિગતો એવી છે કે માંગરોળ તાલુકાનાં શિલ પાસેનાં નાંદરખી ગામે રહેતા હુસેનખા બેલીમ અને આબિદ મહમદ બેલીમ વચ્ચે જમીનનું મનદુઃખ ચાલતું હોય ગઇકાલે ધૂળેટીની બપોરે બંને જુથનાં માણસો ગામનાં ચોકમાં સામસામા આવી ગયા હતાં.

જેમાં હુસેનખા, રફીકખા, નજીર હુસેનખાનો પુત્ર પટેલ, હલીમાબેન, આરિફ અને નજીર સહિતનાં ૭ શખ્સો લાકડી, ધારિયા અને છરી સાથે આબિદ મહમદનાં જુથ ઉપર તૂટી પડયા હતા.

જેમાં એજાજ હાસમ (ઉ.વ.૩૦) નામનાં યુવાનની હત્યા થઇ હતી અને ૪ વ્યકિતને ઇજા પહોંચી હતી.

સામાપક્ષે હાસમ ઇબ્રાહીમ, એજાજ, હાસમ, આબિદ હાસમ, મનુબેન હાસમ, સમીના બેન આબિદ, આયેશાબેન એજાજ સહિતના સાત શખ્સે હુમલો કર્યો હતો.

જેમાં હલીમાબેન વગેરે ૪ માણસોને ઇજા થઇ હતી.

આ અંગેની જાણ થતાં માંગરોળ તેમજ શીલથી પોલીસ કાફલો નાંદરખી ગામે દોડી ગયો હતો અને સમગ્ર ગામમાં બંદોબસ્ત  ગોઠવી દેવાયો હતો.

એક જુથ સામે હત્યા અને બીજા જુથ સામે પોલીસે રાયોટીંગનો ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી કરી હતી. ઇજાગ્રસ્તોને માંગરોળ તેમજ જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. વિશેષ તપાસ પી.એસ.આઇ. પી.એસ.ઝાલા ચલાવી રહયા છે.

(11:29 am IST)