Gujarati News

Gujarati News

News of Friday, 22nd March 2019

પોરબંદરના પદયાત્રિકો ઉપર રાજસ્થાનમાં ટ્રક ફરી વળ્યોઃ ૪ના મોત

સીનીયર સીટીઝન ગ્રુપ દ્વારા દર વર્ષે પદયાત્રાઃ કમનસીબે હોળીના દિવસે હરિદ્વાર જતા રસ્તામાં કાળ ત્રાટકયોઃ ૬ને ઇજાઃ મૃતકો કુતિયાણાના અમર અને કિંદરખેડાના રહેવાશીઃ મૃત્યુ થયેલાઓમાં ૩ મહિલાઓઃ મેર પરિવારમાં શોક છવાયેલ

પોરબંદર તા. રર :.. પોરબંદરથી હરિદ્વાર જતા પદયાત્રીકોના સંઘ ઉપર રાજસ્થાનમાં અજાણ્યો ટ્રક ફરી વળતા ૩ મહિલા સહિત ૪ ના મોત તથા ૬ વ્યકિતઓને ઇજા થતાં અરેરાટી વ્યાપી ગયેલ. મૃત્યુ થયેલાઓમાં કુતિયાણાના અમર ગામના ર મહિલાઓ તથા કિંદરખેડાના એક મહિલા અને પુરૂષનો સમાવેશ થાય છે. અકસ્માતથી મેર પરિવારમાં શોક વ્યાપીગયેલ.

 પોરબંદરથી હરિદ્વાર જતા પદયાત્રિકોના સંઘ ઉપર રાજસ્થાનના પુલવા ગામ પાસે પુરપાટ આવતો ટ્રક ફરી વળતા કુતિયાણાના અમર ગામના ધાનીબેન ચનાભાઇ ભૂતિયા (ઉ.૮૦) અને જાહીબેન રાજસીભાઇ મોઢવાડિયા (ઉ.૬૫) તેમજ કુતિયાણાના કિંદર ખેડા લીરીબેન લખમણભાઇ મોઢવાડિયા (ઉ.૬૧) અને રાજાભાઇ નાથાભાઇ મોઢવાડિયા (ઉ.૬૦) મૃત્યુ થયેલ.

અકસ્માતમાં ઇજાગ્રસ્તોને વ્યકિતઓને રાજસ્થાનની હોસ્પિટલ ખસેડાયેલ જેમાં ૨ વ્યકિતને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયેલ છે.

પોરબંદરના સીનીયર સીટીઝન ગ્રુુપ દ્વારા દર વર્ષે ૧ હજાર કિલોમીટરની અલગ અલગ સ્થળે પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે હરીદ્વાર પદયાત્રાનું આયોજન કરેલ અને કમનસીબે અકસ્માત નડી ગયેલ.

આ પદયાત્રા સંઘ રસ્તામાં કોઇ હોટલ કે ધર્મશાળામાં ઉતરવાને બદલે અનુકુળ ખુલ્લી જગ્યામાં રસોઇ બનાવીને જમીને આરામ કરે છે.  હરીદ્વારા પદયાત્રામાં મદદરૂપ થવા પુંજાભાઇ નગાભાઇ સુંડાવદરા ટ્રેકટરમાં સામાન લઇને જોડાયા હતા. પદયાત્રીકોએ ૮૦૦ કી.મી. અંતર કાપ્યા બાદ અકસ્માત નડી ગયો હતો.

પદયાત્રીકો પોરબંદરના સુદામા ચોકથી દર્શન કરીને ગત તા.૬ના રોજ નીકળ્યા હતા. પદયાત્રીકોના સંઘમાં ૧પ સીનીયર સીટીઝનો જોડાયા હતા.

(11:26 am IST)