Gujarati News

Gujarati News

News of Thursday, 22nd March 2018

જામનગરમાં પ્રેમલગ્ન બાબતે ૭ શખ્સોનો હૂમલો

જામનગર તા. ૨૨ : અહીં વૈશાલીનગરમાં રહેતા દિલીપ રવજીભાઈ વઘેરા ઉ.વ. રપ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે,  નિલકંઠનગરમાં દેવેન્દ્ર કિશનભાઈ મુછડીયાએ ફરીયાદીના મામાની દિકરી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જેના સમાધાન માટે બોલાચાલી કરી ગાળો આપી આરોપીઓ કિશન ખેતાભાઈ મુછડીયા, દેવેન્દ્ર કિશનભાઈ મુછડીયા, વિજય મોહનભાઈ ડોડીયા, મોહન ડોડીયા, પ્રવિણ ઉર્ફે પવુ ડાયાભાઈ રાઠોડ, જયાબેન કિશનભાઈ મુછડીયા, ભાદુરી વિજયભાઈ ડોડીયાએ ગેરકાયદે મંડળી રચી ફરીયાદી તથા સાહેદ દિનેશભાઈ ચૌહાણ ઉપર જીવલેણ હુમલો કરી ગુન્હો કરેલ છે.

બસમાં લઇ ન જતા ૪ શખ્સોએ હુમલો કર્યાની રાવ

અહીં વાઘેરવાડામાં રહેતા અકબર તાલબભાઈ ગાધ ઉ.વ. ર૮ એ પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે, પરવેઝ અકબરભાઈ ગજીયા, અકબર અયુબભાઈ ગજીયા, હનીફ દાઉદભાઈ સચડા, ઈમ્તીયાઝ દાઉદભાઈ સચડાએ ફરીયાદીના સાસુએ હાજીપીરની બસ કાઢેલ તેમાં આરોપીઓને લઈ નઈ જતા તેનો ખાર રાખી તલવાર વડે તથા ઢીકાપાટુનો માર મારી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે.

જુગાર રમતા ઝડપાયા

સિકકા પોલીસ મથકના એસ.આર.જાડેજાએ શાપરગામ ગૌશાળાની બાજુમાં વનરાજસિંહ ગુમાનસિંહ જાડેજા, અશ્વીન લલીતભાઈ પટેલ, ક્રિષ્નદેવસિંહ વનરાજસિંહ સરવૈયા, કિરીટ અંબાવીભાઈ પટેલ, કરણસિંહ સુરાજી જાડેજાને જાહેરમાં જુગાર રમતા રોકડ રૂ. ૩રપ૦૦ સાથે ઝડપી પાડયા હતા.

દારૂ સાથે ઝડપાયો

જામજોધપુર પોલીસ મથકના એ.આર.જાડેજાએ ડબાસંગ ગજણા રોડ વાવ પાસેથી ભગવાનજીભાઈ ઉર્ફે ભગો ગોવિંદ કરોતરાને ગેરકાયદે ઇગ્લીશ દારૂની ૧ બોટલ કિંમત રૂ. પ૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે મયુર કરશનભાઈ કટારા, ઋષિરાજસિંહ જેઠવા નાશી ગયા હતા.

(12:59 pm IST)