Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

રાજ્યમાં સહુ પ્રથમ બોટાદ જીલ્લાના ઉગામેડી ગામે નિર્માણ થયેલા અમૃત સરોવરનું ડ્રોન વિડિયો કોન્ફરન્સ દ્વારા નિદર્શન કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઇ

અમૃત મહોત્સવ અંતર્ગત લોકભાગીદારીથી તળાવનું નિર્માણ : પ્રકૃતિ સંવર્ધન અને વિરાટ જળ સ્ત્રોત સાથે બોટીંગની સુવિદ્યા

બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામે લોક ભાગીદારીથી નિર્માણ કરવામાં આવેલા સરોવરને આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસ મંત્રાલય દ્વારા બિહારથી એક અને ગુજરાતમાંથી બોટાદ જીલ્લાના ગઢડા તાલુકાના ઉગામેડી ગામના આ તળાવની સમગ્ર દેશમાંથી અમૃત સરોવર તરીકે પસંદગી થતાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓની હાજરીમાં બપોરે ૩ કલાકે ઉગામેડી ખાતેથી લાઈવ ડ્રોન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાણ કરી નિદર્શન કર્યું હતુ.

   આ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં દરેક જીલ્લામાં ૭૫ અમૃત સરોવર નિર્માણ કરવાના ઉદેશ્ય મુજબ શરૂઆતમાં બિહાર અને ઉગામેડીના તૈયાર થયેલા તળાવને મોડેલ તળાવ તરીકે પસંદ કરવામાં આવેલ છે. મુખ્યત્વે પ્રકૃતિ સંવર્ધન અને પાણીના સ્ત્રોત તરીકે સિંહફાળો આપી શકે તેવા વિરાટ પાણી સંગ્રહ ઉપરાંત પ્રાકૃતિક વાતાવરણમાં બોટીંગની પણ લોકો મજા માણી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ તળાવ વિસ્તારમાં અસંખ્ય વૃક્ષો પણ ઉછેરવામાં આવતા પ્રાકૃતિક વાતાવરણ સાથે સુંદર તળાવની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આ અમૃત સરોવરની લંબાઇ ૫૧૫ મીટર છે, જ્યારે સરોવરનો વિસ્તાર ૧૨.૭૪ એકર છે. આ અમૃત સરોવર બનાવવા પાછળ અંદાજીત ખર્ચ રૂ. ૬૩૦ લાખ થયો છે. આ ધર્મનંદન અમૃત સરોવર નિર્માણ માટે ધર્મનંદન ડાયમંડ એસોસિએશન, ૧૫મું નાણાંપંચ, મનરેગા અને લોકભાગીદારી દ્વારા ખર્ચ ઉઠાવવામાં આવ્યો છે.

  આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર બીજલ શાહ, જીલ્લા વિકાસ અધિકારી પલસાણા, જીલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી, ભાજપ અગ્રણી સુરેશભાઈ ગોધાણી, ધર્મનંદન ડાયમંડના લાલજીભાઈ અણઘણ તથા નરશીભાઈ ગઢીયા અને સરપંચ ઠાકરશીભાઈ ગઢીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

(12:48 am IST)