Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd February 2023

ગીર સોમનાથ જિલ્લામાં ત્રાટકેલી ટીમોએ લાખોની વીજચોરી પકડી

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ તા. ૨૨ : છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્‍છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્‍યાપક બની ગયું છે કે પીજીવીસીએલને વર્ષે દહાડે કરોડો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવે છે. નિયમિત ગ્રાહકોને ગુણવત્તાયુક્‍ત અને સાતત્‍યપૂર્ણ વીજપુરવઠો પૂરી પાડવાની કટિબદ્ધતા આડે આવા વીજચોરો અંતરાય બનીને ઊભા રહી જાય છે. પરિણામે વીજતંત્રને તેની રોજિંદી કામગીરી ઉપરાંત આવા તત્‍વો સામે ઝઝૂમવામાં સમય આપવો પડે છે. સરવાળે, નિયમિત ગ્રાહકોને પણ ક્‍યારેક તેમના કામોમાં સમયનો વિલંબ થતો હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. વીજચોરીના આ સામાજિક દૂષણને ડામવા પીજીવીસીએલ દ્વારા સતત આકરી કામગીરી કરવામાં આવી રહી છે. એટલું જ નહિ, વધુ વીજલોસ ધરાવતા ફીડરો પર આયોજનબદ્ધ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.

ગઈકાલે આવી જ ઇન્‍સ્‍ટોલેશન ચેકિંગ ડ્રાઈવના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લાની વેરાવળ વિભાગીય કચેરી હેઠળ ની વેરાવળ શહેર,તાલાલા તેમજ સુત્રાપાડા પેટાવિભાગીય કચેરીઓ હેઠળના વિવિધ વિસ્‍તારોમાં એસ.આર.પી. સ્‍ટાફ તથા અન્‍ય સ્‍ટાફના ચુસ્‍ત બંદોબસ્‍ત હેઠળ ઈજનેરોની કુલ ૩૩ જેટલી વીજચેકિંગ ટીમો દ્વારા વીજચેકિંગની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન રહેણાંક, વાણિજિયક, ખેતીવાડી વગેરે મળીને કુલ ૪૧૬જેટલા વીજજોડાણો ચકાસવામાં આવ્‍યાં હતા, જે પૈકી ૯૪ વીજજોડાણોમાં જુદાજુદા પ્રકારની ગેરરીતિ માલૂમ પડતાં કુલ રૂ. ૧૮.૦૮ લાખની દંડનીય આકારણીના બિલ ફટકારવામાં આવ્‍યાં હતા. નોંધનીય છે કે એપ્રિલ-૨૨ થી જાન્‍યુઆરી-૨૩ ના સમયગાળા દરમિયાન જુનાગઢ વર્તુળ કચેરી હેઠળ કુલ ૨૬૬૨૯ વીજજોડાણો ચકાસવામાં આવ્‍યાં છે, જેમાંથી કુલ ૨૮૯૯ વીજજોડાણોમાં વિવિધ ગેરરીતિ સબબ કુલ રૂ. ૭૫૧.૧૨ લાખ ની દંડનીય આકારણીના બિલ આપવામાં આવ્‍યાં છે. જયારે સમગ્ર પીજીવીસીએલ હેઠળ ઉપરોક્‍ત સમયગાળા દરમિયાન કુલ ૫૬૯૧૬૮ વીજજોડાણો ચકાસીને કુલ ૬૭૫૮૪ વીજજોડાણોમાંથી ગેરરીતિ પકડી પાડી કુલ રૂ. ૧૭૪.૮૮ કરોડના બિલ આપવામાં આવ્‍યાં છે.

(12:14 pm IST)