Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

ઉનાના આમોદ્રા વિનય મંદિર હાઇસ્કુલના નવા બિલ્ડીંગનો ખાત મુહૂર્ત સમારંભ યોજાયો

જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ પ્રાંત અધિકારી એમ. કે. પ્રજાપતિ તથા અગ્રણીઓ ઉપસ્થિત

ઉના તા. રર :.. ગીર સોમનાથ જીલ્લા  કલેકટરની અધ્યક્ષતામાં ઉનાના આમોદ્રા ગામે આમોદ્રા વિનય મંદિર હાઇસ્કુલના નવા બિલ્ડીંગનો ખાત મુર્હૂત સમારોહ યોજાયો હતો.

ઉના તાલુકામાં સ્થપાયેલ પ્રથમ ત્રણ હાઇસ્કુલોમાંની એક એવી આમોદ્રા વિનય મંદિર હાઇસ્કુલનાં નવા મકાનનાં બાંધકામ માટે ડીસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશન ગીર સોમનાથ દ્વારા રૂ. ૬૦ લાખની ગ્રાન્ટ ર૦૧૯-ર૦ ના વર્ષ દરમ્યાન મંજૂર કરવામાં આવતા હાઇસ્કુલનાં બીલ્ડીંગનો ખાતમૂહૂર્ત સમારોહ ગીર સોમનાથ જીલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ અધ્યક્ષતામાં યોજાયેલ હતો.

પ્રાંત અધિકારી એસ. કે. પ્રજાપતિ (ઉના) તેમજ જીલ્લા શિક્ષણાધિકારીનાં પ્રતિનિધી નિલેશ અપારનાથી, ડીએમએફના જીલ્લા કો. ઓડીનેટર કિર્તીભાઇ સાંળટ, જીલ્લા પ્રોજેકટ ઓફીસર વસંતભાઇ ળાતરા, વસીમ લાંઘા, સહિત ગીર સોમનાથ જીલ્લાનાં અધિકારીઓ ઉપરાંત ઉના સર્કલ ઓફીસર શ્રી પ્રજાપતિ, આરએફઓ પંડયા, સિંચાઇ વિભાગના ઇજનેર એ. પી. કલસરીયા, વીજ ઇજનેરશ્રી પ્રસાદ તેમજ બાળા વિકાસ યોજના અધિકારી (ઇ.ચા.) લાભુબેન વાળા વિગેરે જીલ્લા - તાલુકાનાં અધિકારીઓ ઉપરાંત આમોદ્રાનાં અગ્રણીઓ સરપંચ ગોપાલભાઇ જાદવ, ઉપસરપંચ કાળુભાઇ સોલંકી, તેમજ તમામ સદસ્યો અને ગામના અગ્રરણી જેસીંગભાઇ મોરી, ગોવિંદભાઇ સોલંકી, અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો સહિત શૈક્ષણીક  સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉપસ્થિત રહેલ. શાસ્ત્રોકતવિધી અનુસાર કલેકટરશ્રીનાં હસ્તે શાસ્ત્રી હિતેશ જોષી દ્વારા વેદોકત મંત્રોચ્ચાર સાથે ખાતમુહૂર્ત વિધી સંપન્ન કરાવવામાં આવેલ હતી.

શાળાકીય શૈક્ષણીક માહિતી આપતાં હાઇસ્કુલનાં પ્રિન્સીપાલ નીતિનભાઇ સોરાએ  જણાવેલ કે સા. હાઇસ્કુલ છેલ્લા છ વર્ષથી એસએસસીના પરિણાામોમાં ગુજરાતી માધ્યમની શાળાઓમાં ઉના તાલુકામં પ્રથમ સ્થાને રહેવા ઉપરાંત વિજ્ઞાનની અનેક વિધ પ્રવૃતિઓમાં શાળાનાં ર૬ વિદ્યાર્થીઓ રાજય કક્ષાએ અને ત્રણ વિદ્યાર્થીઓ રાષ્ટ્ર કક્ષા સુધી પહોંચ્યા છે. ઉપરાંત શાળાની લાઇબ્રેરી, ભારવગરનું દફતર સ્ટાફનાં આભાવ વચ્ચે પણ યોગ્ય શૈક્ષણીક વ્યવસ્થા અને પર્યાવરણ અંગેની પ્રવૃતિઓમાં પણ શાળાએ આગવું સ્થાન જાળેલ છે.

શાળા સંચાલક મંડળના વડા અને સરપંચ ગોપાલભાઇ જાદવએ જણાવેલ કે આમોદ્રાનાં ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમવાર લોકહિતનાં વિકાસ કાર્ય અર્થે કલેકટરનું આગમન એ અમારા અને અમારા ગામ માટે ગૌરવ સમાન છે. ગામનાં દીર્ઘદૃષ્ટા આગેવાન સ્વ. રાજાબાપાએ સ્થાપેલ આ હાઇસ્કુલના બીલ્ડીંગનાં  નવનિર્માણ માટે ટીમ નીમિત બની છે. એનું ગૌરવ છે, તેમજ કલેકટર અને જીલ્લાના અધિકારીશ્રીઓ અને ડીએમએફ. વિભાગે દાખવેલ સહાનુભૂતિ અને સહાયતાં માટે ગામ વતી અધિકારીશ્રીઓનું ઋણ વ્યકત કરૃં છું.

ડીસ્ટ્રીકટ મીનરલ ફાઉન્ડેશનનાં ભુપતભાઇ સાંજારએ જણાવેલ છે ડીએમએફ દ્વારા ખનીજની રોયલ્ટીથી થતી આવકમાંથી આંગણભાઇ, પીવાનાં પાણીની સુવિધા સ્કુલ ડેવલપમેન્ટ અને શાળાનાં નવા બાંધકામો માટે ગ્રાન્ટ ફાળવી અને વિકાસ કામો હાથ ધરવાનો પ્રોજેકટ છે. એ મુજબ આમોદ્રાની આ ગામ માટે આ નવા બિલ્ડીંગનાં બાંધકામનો પ્રોજેકટ મંજૂર કરેલ છે.

જીલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશએ પોતાનાં ભાવવાહી ઉદબોધનમાં જણાવેલ કે આજે આમોદ્રામાં મને જે ઉષ્માભેર આવકાર મળ્યો, આયોજકો અને ગ્રામજનોનો જે પ્રેમ મળ્યો તે અવિસ્મરણીય છે. આજે સમગ્ર ગામ એકજુથ અને ગામનાં વિકાસ કાર્યો માટે પ્રજાનો સંપ જોઇને આનંદ અનુભવું છું.

કાર્યક્રમ દરમ્યાન સમગ્ર શાળા પરિવાર, આમોદ્રા કુમાર - કન્યા પ્રાથમિક શાળા પરિવાર, ગામનાં અગ્રણીઓ વાલીઓ, સહિત સમગ્ર ગ્રામજનોએ સહકાર આપેલ. આમોદ્રા હાઇસ્કુલનાં શિક્ષકો શ્રી મનુભાઇ મોરી, શ્રી વાઘેલા તેમજ વિશાલભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

ગીર સોમનાથ જીલ્લા માહિતી ખાતાનાં અનવરભાઇ સોઢા, સાજીદભાઇ તેમજ સ્થાનીક પત્રકારો જીતેન્દ્રભાઇ ઠાકર, નવીનભાઇ જોષી વિગેરેનું સ્વાગત અને સન્માન આયોજકોએ કરેલ. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધી નિતીનભાઇ ઓઝાએ કરેલ.

(11:44 am IST)