Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

પારડીના મિતેશ જાદવની હત્યામાં વધુ બે શખ્સોની ધરપકડઃ પાંચેય આરોપીઓના રીમાન્ડ મંગાશે

તસ્વીરમાં પકડાયેલ પાંચેય આરોપીઓ (નીચે બેઠેલા) સાથે શાપર-વેરાવળના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફ નજરે પડે છે(તસ્વીરઃ કમલેશ વસાણી-શાપર-વેરાવળ)

શાપર-વેરાવળ, તા. ૨૨ :. રાજકોટની ભાગોળે આવેલ પારડી ગામમાં દલિત યુવાનની હત્યા સાઈડ કાપવા જેવી નજીવી બાબતે થયાનુ અને આ હત્યામાં સામેલ પાંચેય શખ્સોની પોલીસે ધરપકડ કરી રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો મુજબ શાપર-વેરાવળ નજીક પડવલા રોડ પર મિતેશ નાગરભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ને પાંચેક શખ્સોએ બેલાના ઘા ઝીંકી માથું છુંદી મોતને ઘાટ ઉતારી નાસી છૂટયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હત્યાનો ભોગ બનનાર મિતેશ જાદવ જેતપુરના હીસ્ટ્રીશીટર અંકિત પરમારની હત્યાના ગુન્હામાં તાજેતરમાં જ નિર્દોષ છૂટયો હતો. તેમજ ગોંડલના જેલર વિરૂદ્ધ ષડયંત્ર રચાયાના પ્રકરણમાં પણ તે આરોપી હતો. તેમજ જેલમાં ખૂનના ગુન્હામાં હતો ત્યારે પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયા બાદ પકડાઈ ગયો હતો.

મૃતક મિતેશ જાદવને આરોપી દિપક ઉર્ફે દીપો ગોવિંદ પરમાર સાથે વાહનની સાઈડ કાપવા બાબતે ગઈકાલે બોલાચાલી થઈ હતી અને તેનો ખાર રાખી દિપક તેના સાગ્રીતો દિલીપ ઉર્ફે સંજય મનજી પરમાર, અમિત ઉર્ફે સનો મનજી પરમાર, કૈલાશ દિનેશ પરમાર તથા કિશોર લાખા પરમાર રે. પારડી સાથે ગેરકાયદેસર મંડળી રચી પડવલા રોડ પર મિતેશને આંતરી બેલાથી માથુ છુંદી હત્યા કરી નાસી છૂટયા હતા. પાંચ આરોપીઓ પૈકી પોલીસે ત્રણ આરોપી દિપક ઉર્ફે દીપો, દિલીપ ઉર્ફે સંજય તથા અમિત ઉર્ફે સનોને દબોચી લીધા બાદ વધુ બે આરોપી કૈલાશ દિનેશ પરમાર તથા કિશોર લાખાભાઈ પરમાર રહે. પારડીને ઝડપી લઈ પાંચેયની ધરપકડ કરી હતી.

હત્યામાં પકડાયેલ પાંચેય શખ્સોને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરાયેલ છે. વધુ તપાસ શાપર-વેરાવળના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ ચલાવી રહ્યા છે.

(11:36 am IST)