Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

કાલાવડના સરવાણીયામાં મજૂરીના પૈસા માંગતા વૃધ્ધ અને બે પુત્રો પર હુમલો

નાગજીભાઇ દેવીપૂજક તથા લાલજી અને અશોક પર બટુક, મેહુલ, વિક્રમ, ભરત સહિતના ધારીયા-પાઇપથી તૂટી પડ્યાઃ રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૨૨: કાલાવડના સરવાણીયા ગામમાં રહેતાં દેવીપૂજક વૃધ્ધ અને તેના બે પુત્રો પર ગામના જ દેવીપૂજક શખ્સોએ મજૂરીના પૈસા મામલે હુમલો કરી ધોકા-પાઇપ-ધારીયાથી ઇજા કરતાં ત્રણેયને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સરવાણીયા રહેતાં અને લાકડા કાપવાની મજૂરી કરી ગુજરાન ચલાવતાં નાગજીભાઇ રવજીભાઇ મકવાણા (દેવીપૂજક) (ઉ.વ.૭૦) તથા તેમના બે પુત્રો લાલજી (ઉ.૩૦) અને અશોક (ઉ.૪૦) પર સાંજે ઘર પાસે બટુક છગન દેવીપૂજક, મેહુલ, ભરત, ભીખુ, વિક્રમ અને અજાણ્યા ત્રણેક શખ્સોએ હુમલો કરી ઇજાઓ કરતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ ખસેડાયા છે. હોસ્પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ કાલાવડ પોલીસને જાણ કરી હતી. નાગજીભાઇના દિકરા સંજયના કહેવા મુજબ તેના પિતા અને ભાઇઓ બટુક સાથે લાકડા કાપવાની મજૂરીએ ગયા હતાં. તેના પૈસા લેવાના બાકી હતાં. આ પૈસાની ઉઘરાણી કરતાં પૈસા ન આપી હુમલો કરાયો હતો. કાલાવડ પોલીસ વધુ તપાસ કરે છે.

(11:34 am IST)