Gujarati News

Gujarati News

News of Saturday, 22nd February 2020

વિરપુર (જલારામ)માં આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન દ્વારા સમુહલગ્ન સંપન્ન : ૬૪ નવદંપતીઓના પ્રભુતામાં પગલા

વિરપુર (જલારામ) તા.રર :  આવિષ્કાર યુનિવર્સલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને આવિષ્કાર મહિલા વિકાસ મંડળ અને હેત પ્રાયમરી સ્કુલ દ્વારા સંયુકત ઉપક્રમે આયોજીત નવમો સમુહ લગ્ન યોજાયા હતા. જેમાં ૬૪ નવદંપતીઓએ પ્રભુતામાં પગલા માંડયા હતા. દરેક નવદંપતીઓને જીવન જરૂરી ૧૨૦ જેટલી ઘરવખરી કરિયાવરની વસ્તુ સંસ્થા તરફથી દાતાઓના સહયોગથી અપાઇ હતી. બે રાઉન્ડમાં લગ્નનું આયોજન કરેલ. સમુહ લગ્નમાં મુંબઇના વેપારી મંડળના વિનોદભાઇ ચોથાણી (દિવ્યા ઇનવેસ્ટમેન્ટ) તેમજ થાણેના દાનવીર અને ભામાશા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ નાનજીભાઇ ખીમજીભાઇ થાણાવાલા, થાણે મુલુંદના સામાજીક કાર્યકર હેમાબેન દાવડ અને નિતાબેન જોશી મુંબઇથી નવદંપતીઓને આશિર્વાદ આપવા ઉપસ્થિત હતા. જલારામ મંદિર ભુલેશ્વર મહિલા મંડળના નૂતનબેન તથા જલારામ મંદિર ભુલેશ્વરના સ્ટાફ તથા તેના મહિલા સભ્યો આશિર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા, રાજકોટ જીલ્લા યુવા ભાજપ પ્રમુખ પ્રશાંતભાઇ કોરાટ, જેતપુર તાલુકા ભાજપ મહામંત્રી વેલજીભાઇ સરવૈયા, ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તેમજ એશિયાટીક એન્જી.કોલેજ ગોંડલ ચેરમેન ગોપાલભાઇ ભુવા, તા.પં. જેતપુર પ્રમુખ ભુપતભાઇ સોલંકી, ભેડા તેમજ જૂનાગઢના ખાંટ સમાજના અગ્રણી રમેશભાઇ મકવાણા અન્ય ખાંટ રાજપુત સમાજના બહારગામના અગ્રણી ઉપસ્થિત રહી તેમજ જૂનાગઢના લોકસાહિત્યકાર અમુદાનભાઇ ગઢવી ઉપસ્થિત રહી ૬૪ નવદંપતીઓને આશિર્વાદ આપ્યા હતા.

જલારામ ઝેરોક્ષ જેતપુરના હરસુખભાઇ શિયાણી, લાભ ઝેરોક્ષ જીજ્ઞેશભાઇ ગોસાઇ, ગીતા ટાઇપ તેમજ જેતપુર લેઉવા પટેલના અગ્રણી મહેશભાઇ કોયાણી તેમજ જેતપુર યુવા એડવોકેટ અને કોળી સમાજના આગેવાન અંકીતભાઇ ગોહેલ તેમજ પેઢલાના વાણંદ સમાજના યુવા અગ્રણી વિવેક રાવરાણીએ સમુહલગ્નમાં ભોજન વ્યવસ્થામાં ખાસ જહેમત ઉઠાવી હતી.

સરકારશ્રીના બેટી બચાવો અભિયાન હેઠળ બેટી બચાવો સ્ત્રીભૃણ હત્યા અટકાવોના સુત્રો સાથેના બેનરો દરેક લગ્ન મંડપમાં લગાવ્યા હતા તેમજ સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાન હેઠળ સ્વચ્છ ભારત સુંદર ભારતના બેનરો લગ્નમંડપમાં લગાવ્યા હતા. અંદાજે ખાંટ રાજપુત યુવા શકિત સંગઠન, મંડલીકપુર, વિરપુર તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ૧૦૦ જેટલા સ્વયંસેવકોએ આ સમુહલગ્નમાં સેવા આપી પુણ્યનુ ભાથુ બાંધ્યુ હતુ. સમુહ લગ્નને સફળ બનાવવા સંસ્થાના પ્રમુખ અનિલભાઇ સરવૈયા, તેમજ સંસ્થા સંચાલીત હેત ઇંગ્લીશ સ્કુલની શિક્ષિકા બહેનોએ તેમજ મહિલા મંડળની બહેનોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન રમેશભાઇ ગઢીયાએ કરેલ હતુ.

(11:32 am IST)