Gujarati News

Gujarati News

News of Friday, 21st February 2020

શિવરાત્રીના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું : ગીરનારની તળેટીમાં સાધુઓએ ધુણી ધખાવી:રવાડીના દર્શન કરવા લાખો ભક્તો ઉમટ્યાં

ગિરનારની ગોદમાં ભક્તિ, ભોજન અને ભજનનો સંગમ રચાયો : કલાકારોએ પોતાના સુરથી તળેટીને સંગીતમય બનાવી: મૃગીકુંડમાં શાહી સ્નાનના દર્શન કરીને ભાવિકોએ ધન્યતા અનુભવી

 

જૂનાગઢ : ગરવા ગિરનારની ગોદમાં ભક્તિ, ભોજન અને ભજનનો સંગમ રચાયો છે , મહાશિવરાત્રી. શિવ અને શક્તિની રાત્રી એટલે કે, શિવરાત્રી. આજે તે પાવન દિવસ છે. એટલે શિવાલયો બમ ભોલે...જય શિવ સંભોના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. લાખોની સંખ્યામાં શિવભક્તો ગીરનારની તળેટીમાં શિવના દર્શન કરવા માટે પહોંચી ગયા છે. સાધુઓ પોતાની ધુણી ધખાવીને બેઠા છે. કલાકારો પોતાના સુરથી તળેટીને સંગીતમય બનાવી રહ્યા છે. મહાશિવરાત્રી પર ગઢ ગીરનારની ગોદીમાં આજે ભક્તિનો માહોલ જોવા મળ્યો. હતો

 એવું કહેવાય છે કે, આજના દિવસે જ ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયા હતા. આજના દિવસે જ ભગવાન શિવનું માતા પાર્વતી સાથે મિલન થયું હતું. આજના દિવસનું જૂનાગઢમાં ખાસ મહત્વ છે. કારણે એવી માન્યતા છે કે, મોડી રાત્રે અહીં નાગા સાધુઓ અને અખાડાઓ દ્વારા રવાડી નિકાળવામાં આવે છે. જેમાં ખુદ ભગવાન શિવ સાધુ વેશમાં સાક્ષાત્કાર દર્શન આપે છે અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા અનુભવે છે. લોકો રવાડીના દર્શન કરવા માટે કલાકો સુધી લાઈનોમાં રસ્તા પર બેસી રહે છે. તો એવું પણ કહેવાય છે કે, આજે સાધુનું રૂપ ધારણ કરી ભગવાન શિવ અને 84 સિદ્ધો પણ મૃગીકુંડમાં શાહી સ્નાન કરે છે.

આ વર્ષે શિવરાત્રીના આ પાવન પર્વ પર કિન્નર સમાજને પણ અખાડામાં સ્થાન આપવામાં આવ્યું છે. આ પ્રકારનું પગલું સાધુ સમાજ દ્વારા એક સુંદર સંદેશ છે. જૂનાગઢમાં હાલ માહોલ ભક્તિ, ભોજન અને ભજનનો જોવા મળી રહ્યો છે. તો મેળાના રંગ પણ ખુબ જામ્યા છે. લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન શિવના દર્શનની સાથે-સાથે મેળાનો આનંદ પણ ઉઠાવી રહ્યા છે.

(12:19 am IST)