Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જસદણનાં કોળી પ્રૌઢની હત્યામાં સામેલ યુનુસ મોરબી હોસ્પીટલમાં દાખલ થયોઃ પોલીસ જાપ્તો મુકી દેવાયો

આરોપી સામે કડક પગલા ભરવાની ખાત્રી મળતા હત્યાનો ભોગ બનનાર ગાંડુભાઈની લાશ પરિવારજનોએ સ્વીકારવાની સમાજના આગેવાનોએ હા પાડયા બાદ ફરી ના પાડીઃ આરોપી યુનુસને પણ ગંભીર ઈજા-૨૦ ટાંકા લેવાયા

 આટકોટ, તા. ૨૨ :. જસદણના કુંદણી ગામે માછીમારી પ્રશ્ને નિર્દોષ ખેડૂત ગાંડુભાઈ કોળીની છરીના ઘા ઝીંકી હત્યાના બનાવ બાદ આરોપી ન પકડાઈ ત્યાં સુધી પરિવારજનોએ લાશ સ્વીકારવાની ના પાડી હતી. જો કે આરોપી મોરબી હોસ્પીટલમાં ગંભીર ઈજા સાથે દાખલ થતા પહેલા પરિવારજનોએ લાશ સ્વીકારવાની હા પાડી હતી પરંતુ બાદમાં ફરી કોળી સમાજના આગેવાનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

જસદણના કુંદણી ગામે નિર્દોષ ખેડૂત ગાંડુભાઈ કોળીની હત્યા થતા જસદણ સરકારી હોસ્પીટલે કોળી સમાજના આગેવાનો ઉમટી પડયા હતા. કોળી સમાજના આગેવાન પોપટભાઈ રાજપરાએ નિર્દોષ ગાંડુભાઈ કોળીના હત્યારાઓ ન પકડાઈ તો આવતીકાલે જસદણ અને વિંછીયા બંધનું એલાન આપેલ છે. તેમજ પરિવારજનોએ પણ આરોપી ન પકડાઈ ત્યાં સુધી મૃતક ગાંડુભાઈની લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.

દરમિયાન કોેળી પ્રૌઢની હત્યામાં સામેલ યુનુસ નામનો આરોપી ગંભીર ઈજા સાથે મોરબી હોસ્પીટલમાં દાખલ થતા અને આ અંગે સ્થાનિક પોલીસે રૂરલ પોલીસને જાણ કરતા હોસ્પીટલમાં આરોપી પર પોલીસ જાપ્તો મુકી દેવાયો છે. બીજી બાજુ આરોપી પકડાઈ જતા કોળી સમાજના આગેવાન અને ધારાસભ્ય કુંવરજીભાઈ બાવળિયાની મધ્યસ્થીથી મૃતક ગાંડુભાઈની લાશ સ્વીકારી લઈ અંતિમવિધિ કરવાનું નક્કી કરાયુ હતું પરંતુ કોળી સમાજના અમુક આગેવાનોએ લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો અને હાલમાં આ મામલે જસદણ સરકારી હોસ્પીટલમાં કોળી સમાજના આગેવાનો અને પોલીસ ઉચ્ચ અધિકારીઓ વચ્ચે મંત્રણા થઈ રહી છે.

(4:27 pm IST)