Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

એક મહિના પછી લગ્નના બંધને બંધાનાર ગોંડલના વાણંદ યુવકનું મોત

બિલીયાળા પાસે અજાણ્યા વાહને ઠોકર મારતા દુર્ઘટના સર્જાઇ

ગોંડલ તા. રર :.. કાલે રાજકોટ-ગોંડલ હાઇવે ઉપર અજાણ્યા વાહને હડફેટે લેતા એક મહિના પછી લગ્નના બંધને બંધાનાર વાણંદ યુવકનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલના સહજાનંદનગરમાં રહેતા પ્રદીપ સવજીભાઇ ખરચલીયા (ઉ.રપ વાણંદ) યુવકની સગાઇ રાજકોટના ૧પ૦ ફુટ રીંગ ઉપર રહેતા પરિવારની પુત્રી સાથે થઇ હતી અને એકાદ મહિનામાં તેના લગ્ન થવાના હતાં.

આ વાણંદ યુવક પોતાનાં રાજકોટ રહેતા સસરા અને મંગેતર મળીને ગોંડલ  મોટર સાયકલ ઉપર જઇ રહ્યા હતા ત્યારે રાજકોટ-ગોંડલ, નેશનલ  હાઇવે ઉપર બિલીયાળાના પાટીયા પાસે અજાણ્યા વાહને હડફેટે લેતા આ યુવક ગંભીર ઇજા સાથે રોડની બાજુમાં ખાડામાં પડી ગયો હતો.

આ બનાવથી ર થી અઢી કલાક પછી કોઇને જાણ થતા ભોજપરાના સરપંચને જાણ કરી હતી અને સરપંચે ગોંડલ તાલુકા પોલીસને ઘટના સ્થળે બોલાવીને મૃતદેહને પીએમ માટે ખસેડાયો હતો.

મૃતક યુવકના પિતા જીઇબીના નિવૃત કર્મચારીને અને મૃતકને ર ભાઇ અને એક બહેન છે આ યુવક શાપર (વેરાવળ) ના કારખાનામાં નોકરી કરતો હતો.

એક મહિના પછી લગ્નના બંધને બંધાનાર યુવકના મોતથી ગોંડલ અને રાજકોટના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

(11:35 am IST)