Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

દલિતો ઉપર અત્યાચારના કારણે પરિસ્થિતિ ખરાબઃ જામનગર કોંગ્રેસનો આક્ષેપ

જામનગર તા. રર :.. રાજયભરમાં દલિતો પર અત્યાચારને લીધે પરિસ્થિતિ દિન-પ્રતિદિન અત્યંત ખરાબ થઇ રહી છે. છેક થાનગઢથી શરૂ થયેલો દલિતો ઉપર દમનનો આ સીલસીલો રાજયમાં ચાલુ જ રહ્યો છે. તેમ જામનગર શહેર (જિલ્લા) કોંગ્રેસ સમિતિના હોદેદારોએ જણાવ્યું છે.

સાંથણીના કાયદેસરના હુકમો થયા હોય અને સનદ પણ આપી હોય પરંતુ જમીનનો કબજો આપવામાં આવ્યો ના હોય અને તે જમીન પર અસામાજિક તત્વોનો કબજો હોય કે પછી દલિત સમાજના યુવાન દ્વાર ઘોડા ઉપર બેસવાની કે હેરકટની સ્ટાઇલ જેવા નજીવા મુદ્ે દલિતો ઉપર અત્યાચાર અને દમનની રોજીંદી બની ગયેલી ઘટનાઓ સમગ્ર રાજય માટે કલંકરૂપ અને શરમજનક છે. ઉના કાંડ જેવી ઘટનાથી સમગ્ર દેશ અને દુનિયામાં ભારે ઉહાપોહ મચી જાય ત્યારે થોડાંક સમય માટે રાજયનું વહીવટી તંત્ર દેખાવ પુરતાં પગલાં લે છે અને ફરીથી રાબેતા મુજબની સ્થિતિ સર્જાય છે.

અગાઉ પણ દલિત સમાજના સભ્યો ઉપર અત્યાચાર-દમનની ઘટનાઓ પ્રસંગે રાજય સરકાર દ્વારા ખાતરી અને આશ્વાસનો આપવામાં આવ્યા છે તેમજ સમાધાન પણ થયા છે. પરંતુ આજદિન સુધી ભુતકાળમાં આપેલી ખાતરી કે આશ્વાસન અંગે કોઇ નકકર પગલા ભરવામાં આવ્યા નથી કે દલિતોને ન્યાય મળે તે દિશામાં કોઇ કામગીરી થઇ નથી. પાટણ ખાતે સ્વ. ભાનુભાઇ વણકરના અવસાન બાદ, રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ સમાધાનનો અત્યંત ગંભીરતાપૂર્વક તાકીદે અમલ કરવામાં આવે અને ભુતકાળની જેમ આ પરત્વે કોઇ નિષ્ક્રિયતા દાખવવામાં ન આવે. જેથી ભવિષ્યમાં સ્વ. ભાનુભાઇ વણકરના દુઃખદ અવસાન જેવી ઘટનાઓ રાજયમાં ફરી બને નહીં. તે માટે પગલા ભરવા જામનગર જીલ્લા કોંગ્રેસના હોદેદારોએ માંગણી કરી છે. (પ-૩)

(10:12 am IST)