Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ચરાડવામાં બાવનગામ પ્રજાપતિ સમાજ દ્વારા તુલસી વિવાહ સંપન્ન

તા.૨૧ : હળવદ  તાલુકાના ચરાડવા ગામે બાવન ગામ સમસ્ત ગુર્જર પ્રજાપતિ રામજી મંદિર આયોજીત તુલસી વિવાહનો ધાર્મિક ઉત્સવ ખુબ જ ભવ્ય રીતે ઉજવાયો હતો.

આ ધાર્મિક ઉત્સવમાં કન્યાપક્ષના યજમાન બાબુભાઇ શિવાભાઇ લખતરીયા પરિવારજનો મયુરનગર વાળા તેમજ વરપક્ષના યજમાન રઘુભાઇ ધનજીભાઇ ખોખર પરિવારજનો ચિત્રોડી વાળા રહયા હતા. આ દિવ્ય તુલસી વિવાહમાં શાસ્ત્રી મહારાજ તરીકે પ્રકાશભાઇ દવે રહયા હતા. તુલસી અને શાલીગ્રામ ભગવાન વિષ્ણુના લગ્નની ધાર્મિક વિધિ વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે કરાવી હતી. તેમજ પ્રજાપતિ સમાજના આગેવાનોનું સન્માન પણ કરાયું હતું.

આ ધાર્મિક ઉત્સવમાં નકલંગ ધામના મહંત દલસુખ મહારાજ, લાલજી મહારાજની જગ્યાના મહંત અંબારામદાસજી, મહાકાળી આશ્રમના લઘુમહંત અમરગીરી બાપુ સહિતના સંતો-મહંતો તેમજ પ્રજાપતિ સમાજના શ્રેષ્ઠીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતા. તુલસી વિવાહ લગ્ન ઉત્સવમાં વૃંદાવન મથુરાથી આવેલા કલાકારોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે બાવનગામ સમસ્ત પ્રજાપતિ  સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.

(11:10 am IST)