Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

કચ્છમાં વરસાદી માવઠાથી થયેલ નુકશાનનું વળતર ચુકવવા માંગ

ભુજ તા.૨૧ : કચ્છ જિલ્લા પંચાયતના વિરોધપક્ષના નેતા વી.કે.હુંબલે જિલ્લા કલેકટરને એક પત્ર પાઠવી તાજેતરમાં માવઠાથી ખેડૂતોના પાકોને થયેલ નુકશાન માટે વળતર ચુકવવાની માંગણી કરી છે.

પત્રમાં વધુમાં જણાવેલ છે કે, ખરીફ ઋતુમાં ખેડૂતોને થતા કમોસમી વરસાદમાં પાક નુકશાની માટે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના હેઠળ ૧૫ ઓકટોબરથી ૧૫ નવેમ્બર સુધીમાં ૪૮ કલાકમાં ૫૦ મીમીથી વધુ વરસાદ પડે અને ખેતીના પાકને નુકશાન થાય તે કમોસમી વરસાદ એટલે કે માવઠુ ગણવામાં આવે અને તેની મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ ૩૩% થી ૬૦% સુધી નુકશાની થાય તો પ્રતિ હેકટરે ૨૦,૦૦૦ આપવાની જોગવાઇ છે જેમાં ૪ હેકટર સુધી ૧ ખેડૂતને રૂ. ૮૦૦૦૦ આપવા સુધીની જોગવાઇ કરે છે.

અંજાર તાલુકામાં ૭૮ એમએમ તેમજ ગાંધીધામ તાલુકામાં ૬૫ એમએમ વરસાદ નોંધાયો છે. વાસ્તવિકમાંથી આથી પણ વધુ વરસાદ ૪૮ કલાકમાં આ તાલુકાઓમાં  તેમજ અન્ય તાલુકાઓમાં વરસાદ પડેલ છે. ગુજરાત સરકારની જાહેરાત મુજબ મુખ્યમંત્રી સહાય યોજના હેઠળ ૪ હેકટર સુધી ૮૦૦૦૦ની સહાય ખેડૂત દીઠ ચુકવવામાં આવે તેવી માંગ કરી છે.

નિયમની જોગવાઇ હેઠળ તાત્કાલીક જે તે તાલુકાઓમાં ૫૦ એમએમથી વધુ વરસાદ થયો છે ત્યા સર્વે કરી તેમજ સરકાર સુધી વિગતવાર ડીટેઇલ પહોચાડી અને માવઠાને લીધે કચ્છમાં જે તાલુકાઓમાં નુકશાન થયુ છે તે તમામ તાલુકાઓમાં સહાય ચુકવવા માંગણી કરાઇ છે.

આ બાબતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કિસાન સેલના પ્રમુખ પાલભાઇ આંબલીયાએ પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને કોઇપણ વિલંબ વગર તાત્કાલીક સર્વે કરવાની માંગણી કરવામાં આવી છે.

(11:19 am IST)