Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

ગોંડલના પૂર્વ મેડીકલ ઓફીસરને લાંચના કેસમાં ગોંડલની સેસન્સ અદાલત દ્વારા ત્રણ વર્ષની સજા

રાજકોટ, તા.ર૧ : ગોંડલ સરકારી હોસ્પિટલમાં બનાવ સમયે ફરજ બજાવતા મેડીકલ ઓફીસર ડો રામપ્રવેશ મહેન્દ્ર શાહને લાંચના ગુનામાં ત્રણ વર્ષની સજા ગોંડલની સેસન્સ અદાલતે ફરમાવેલ છે.

આ કેસની ટુંકી હકીકત એવી છે કે, તા.૧૬/૦૯/ર૦૧૦ના રોજ ગોંડલમાં રહેતા બ્રીજરાજસિંહ લખધીરસિંહ વાઘેલા જેઓ પી.જી.વી.સી.એલ.માં ફરજ બજાવતા હતાં અને તેમને સીકનું મેડીકલ સર્ટીફીકેટ મેળવવું હતું અને જે સર્ટીફીકેટ મેળવવા માટે ડોકટર (આરોપી) રામપ્રવેશ મહેન્દ્ર શાહે રૂ. ર૦૦ની લાંચની રકમની માંગણી કરેલ હતી જેથી ફરીયાદી બ્રીજરાજસિંહે એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ડોકટર (આરોપી) રામપ્રવેશ મહેન્દ્ર શાહ વિરૂદ્ધ ફરીયાદ કરેલ હતી.

ફરીયાદ આપ્યા બાદ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર વી.એમ. જાડેજા, મારફત લાંચનું છટકું ગોઠવવામાં આવેલ અને ફરીયાદી તથા એ.સી.બી. પોલીસ સ્ટેશનના માણસો અને સરકારી પંચ મારફત ટ્રેપ કરવા માટે તા.૧૭/૦૯/ર૦૧૦ના રોજ ગોંડલ સરકારી હોસ્પિટલમાં ગયેલ અને ત્યાં હાજર રહેલ ડો. રામપ્રવેશ શાહને મળેલ ને કહેલ કેસબારીમાંથી કેસ કઢાવી લો અને કહેલ કે તમારે એડમીટ થવું પડશે અને ફરીયાદીને જણાવેલ કે એડમીટ થવું નથી અને ડો. શ્રી રામપ્રવેશે કહેલ કે રૂ.ર૦૦/- હસમુખભાઇ જોષીને મહાદેવ વાડી વિસ્તારમાં આપી દેજો આવી રીતે ડો. રામપ્રવેશે લાંચની રકમ અંગેની માંગણી કરેલ જેથી આ કામના ફરીયાદી તથા એ.સી.બી.ના સ્ટાફના માણસો મહાદેવ વાડી વિસ્તારમાં હસમુખભાઇ ઘરે ગયેલ અને ડોકટર સાહેબ વતી રૂ.ર૦૦/ની લાંચ લેતા હસમુખભાઇ ભાનુભાઇ જોષીનાઓને આરોપી ડો. રામપ્રવેશ શાહ વતી લાંચ લેતા રંગેહાથે પકડી પાડેલ અને પોલીસ દ્વારા ગોઠવવામાં આવલ લાંચનું છટકુ સફળતાપૂર્વક પાર પડેલ અને સજા પામેલ આરોપી રામપ્રવેશ શાહ વિરૂદ્ધ લાંચ રૂશ્વત ધારા અંતર્ગત ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) મુજબનો ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો.

સદર ગંભીર બનાવનો ગુન્હો દાખલ થયા બાદ આ કામના આરોપી ડો. રામપ્રવેશ શાહ તથા હસમુખભાઇ ભાનુ જોષી સામે લાંચ રૂશ્વત ધારાના ગુનાહીત કૃત્ય અંગેનું ચાર્જશીટ કરવામાં આવેલ. સબબ ઉપરોકત કેસ સેસન્સ અદાલત ગોંડલ ખાતે ચાલી જતા સરકારી વકીલશ્રી ઘનશ્યામ કે. ડોબરીયા દ્વારા સરકારશ્રી તરફે દસ્તાવેજો પુરાવો રજુ કરવામાં આવેલ અને ત્યારબાદ સરકારી વકીલશ્રી જી.કે. ડોબરીયા દ્વારા કુલ-૭ સાહેબોને તપાસવામાં આવેલ અને આ કામમાં ચાલુ કેસ દરમ્યાન આરોપી હસમુખભાઇ જોષીનું અવસાન થયેલ. સબબ અદાલતે આ કેસમાં ફરીયાદી તથા પંચની જુબાનીને લક્ષમાં રાખી અને ગોંડલ સેસન્સ અદાલત ખાતે ફરજ બજાવતા સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે.ડોબરીયાની દલીલોને ધ્યાને લઇ લાંચ રૂશ્વત ધારા ૧૯૮૮ની કલમ-૭, તથા ૧૩(૧)(ઘ) તથા ૧૩(ર) મુજબના ગંભીર ગુન્હામાં આરોપી ડો. રામપ્રવેશ મહેન્દ્રભાઇ શાહને તકસીરવાન ઠરાવી સેસન્સ જજશ્રીએ ત્રણ વર્ષની સજા તથા રૂ. રપ૦૦/-નો દંડ ફરમાવવાનો હુકમ કરેલ છે.

આ કામમાં સરકાર તફે મદદનીશ સરકારી વકીલ શ્રી ઘનશ્યામ કે. ડોબરીયા રોકાયેલા હતાં.

(11:14 am IST)