Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

શિહોરમાં ૪ ઇંચઃ સૌરાષ્ટ્ર-કચ્છના પ જીલ્લામાં વરસાદ

મગફળી, કપાસ, તલ સહીતના પાકને નુકશાનઃ એક જ દિવસમાં ત્રણ ઋતુનો અનુભવ

તસ્વીરોમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી પાણી ફરી વળ્યા તે નજરે પડે છે. (તસ્વીરઃ વિનોદ ગાલા-ભુજ)

રાજકોટ, તા., ૨૧: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં રવીવારથી શરૂ થયેલ મેઘમહેર કાલે ત્રીજા દિવસે પણ યથાવત રહી હતી અને ભાવનગર જીલ્લાના શિહોરમાં ૪ ઇંચ વરસાદ ખાબકયો હતો.

સવારે શિયાળા જેવી ઠંડક, બપોરે ઉનાળો અને સાંજના સમયે વરસાદ સાથે એક જ દિવસમાં ત્રણ ઋતુનો અહેસાસ થઇ રહયો છે.

ભાવનગર જિલ્લામાં મંગળવારે પાલીતાણા, ગઢડા, મહુવા, તળાજા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યાના અહેવાલો મળ્યા છે. દરમિયાન સિહોરમાં ચાર કલાકમાં ચાર ઇંચ જેવો ભારે વરસાદ વરસ્યો છે. પોરબંદર જીલ્લાના રાણાવાવ શહેરમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું. રાજકોટ જીલ્લામાં જસદણ અને આટકોટ પંથકમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો.

હવામાનની આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે મગફળી, કપાસ અને તલ સહિતના પાકોને નુકસાન થઈ રહ્યું છે. આજે કચ્છ, જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી વિસ્તારમાં કડાકા ભડાકા સાથે સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો.

ઉનાના અંજારમાં એક ખેડૂતની વાડીમાં નારિયેળીના ઝાડ પર વીજળી પડતા ઝાડ સળગી ઉઠ્યું હતું. ભાવનગરના પાલિતાણા તાલુકાના આદપુર ગામે આવેલા ડુંગર પર વીજળી પડતાપ્રકાશભાઈ પુનાભાઈ મકવાણા નામના યુવાનનું મોત નીપજયું છે. ડુંગર ઉપર મજૂરી કામ કરી રહેલા યુવાન પર વીજળી પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. યુવાનને પાલિતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અહીં ફરજ પરના ડોકટરે યુવાનને તપાસી મૃત જાહેર કર્યો હતો. પોરબંદરના રાણાવાવમાં ૪ કલાકમાં પોણા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.

કચ્છમાં સતત પાંચમા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો. ભુજ, સુખપર,મીરઝાપર, માનકુવા. દયાપર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબકયો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

જૂનાગઢમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભારે ઉકળાટ બાદ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી શહેરનાં મોતીબાગ સહિતના વિસ્તારોમાં રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. શહેરના રસ્તાઓ પર પાણી ભરાઇ જવાથી વાહન ચાલકોને મશ્કેલીનો સામનો કરવો પડયો હતો. જુનાગઢના માળીયા હાટીનામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો..માળીયા હાટીનાના અમરાપુર, વડીયા, ઇટલી, ગલોદર, દ્યુમતી, સરકડિયા સહિતના મોટા ભાગના ગામડાઓમાં બે ઇંચ જેટલો વરસાદ ખાબકયો હતો.કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

અમરેલીના બાબરા તેમજ પંથકના ગામડાઓમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. તો પાંચાળનાં કરિયાણા, ખભળા ગામે પણ વરસાદી ઝાપટા પડયા હતા. વરસાદી માહોલથી રોડ રસ્તા પાણી પાણી થયા હતા. સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ પડતાં ખેતરોમાં મગફળી અને કપાસ પાકને નુકસાન થયું હતુ. કમોસમી વરસાદે ખેડૂતો પર કેર વરસાવ્યો છે. તો લાઠી શહેરમા પણ કમોસમી વરસાદ વરસ્યો. વરસાદને કારણે રોડ રસ્તાઓ પાણી-પાણી થયા. કમોસમી વરસાદને લીધે મગફળી તેમજ કપાસના પાકને ભારે નુકસાન થવાની આશંકાને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું જોવા મળ્યું.

તો આ તરફ તાલાળાનાં ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો. ભારે ગરમી અને બફારા વચ્ચે કમોસમી વરસાદ ખાબકયો. ધાવા આકોલવાડી, સુરવા, જાબુંર, માધુપુર અને આસપાસ ગીર બોર્ડરના ગામોમાં ભારે વરસાદ વરસ્યો.

ડાંગના આહવા પંથકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી રોડ રસ્તા પર પાણી ભરાયા હતા. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા)ભુજઃઅરબી સમુદ્રમાં સર્જાયેલા હવાના હળવા દબાણને કારણે કચ્છમાં વાતાવરણ પલટાયું છે. સતત ચોથા દિવસે પણ સાંજે વરસાદ સાથે કચ્છમાં આસો મહીનામાં મેદ્યરાજાએ શ્રાવણનો માહોલ સર્જાયો છે. ગઈકાલે ભુજમાં કડાકા ભડાકા સાથે એક કલાકમાં સવા બે ઈંચ વરસાદ પડતાં ભુજ શહેર પાણી પાણી થઈ ગયું હતું. કચ્છમાં અન્યત્ર અંજાર, ગાંધીધામ, મુન્દ્રા, અબડાસા, નખત્રાણા પંથકમાં ભારે ઝાપટાં સાથે વરસાદ પડ્યો હતો. સતત માવઠા અને વરસાદથી કચ્છમાં ખેતીને ભારે નુકસાન પહોંચ્યું છે. કપાસ, મગફળી, મગ, એરંડા, તલનો પાક ધોવાઈ ગયો છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ભાવનગર જીલ્લાના પાલીતાણા પંથકમાં વિજળી પડતા એક યુવાનનું મોત નિપજયું છે જયારે બેને ઇજા થતા હોસ્પીટલ ખસેડાયેલ છે.

ભાવનગર જીલ્લાના પાલીતાણા, તળાજા અને ગારીયાધાર પંથકમાં છુટો છવાયો વરસાદ પડયો હતો.

દરમ્યાન પાલીતાણા તાલુકાના આદપુર ગામે વીજળી પડતા પ્રકાશભાઇ પુનાભાઇ મકવાણા (ઉ.વ.ર૩)નું મોત નિપજયું હતું. જયારે દિનેશભાઇ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.૩૦) તથા મુન્નાભાઇ પરશોતમભાઇ મકવાણા (ઉ.વ.૩ર)ને ઇજા થતા હોસ્પીટલે ખસેડાયેલ હોવાનું જાણવા મળેલ છે.

માળીયા હાટીના

(મહેશ કાનાબાર દ્વારા) માળીયા હાટીનાઃ આજે બીજા દિવસે પણ અમરાપુર ગીર વડીયા ગીર માતર વાણીયા ગડીદર પનિધ્રા સર કડીયા ઇટાલી રામ વાવ પાટીયા સહીતના ગામોમાં દોઢથી બે ઇંચ ધડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે બપોરે ત્રણ વાગ્યાથી ચાર વાગ્યા સુધી એક કલાક વરસાદ પડયો છે. સરેરાશ બે ઇંચ પાણી પડયું છે. મગફળી, કપાસ, મગ સહીત ચોમાસા પાકનું ધોવાણ થઇ ગયું છે. ખેતરો પાણી પાણી થઇ ગયા છે. ખેડુતોનો ચારો પણ બગડી ગયો છે. સખત બફારો થયો છે નીચાણવારા વિસ્તારો પણ જળબંબાકાર થઇ ગયા છે. વેપારીઓને પણ મોટા પાયે નુકશાન થયું છે.

(11:13 am IST)