Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

રતનપરમાં માલી સમાજના પંચદેવી મંદિરમાં બુકાનીધારી ત્રાટકયાઃ પૂજારી દંપતિને ધોકાવી દાગીના-રોકડથી લૂંટ

રાત્રીના દોઢેક વાગ્યે પાંચ લૂંટારા ઘુસી ગયાઃ પૂજારી સુરેશદાસ નિમાવત (ઉ.૫૬)ને ખાટલામાંથી ઉંચકી નીચે પછાડ્યા બાદ ધોલધપાટઃ તેમના પત્નિના હાથ-કાન-પગમાંથી દાગીના-સાંકળુ ઉતારી લીધાઃ સોનાના બુટીયા, ચાંદીની બે માળા, એક પગનું સાંકળુ, મોબાઇલ અને રોકડા ૩૬૦૦ લૂંટી જવાયાઃ હિન્દીભાષી લૂંટારાઓએ પુજારીને ધોકાવી દાનપેટીઓની ચાવી માંગીઃ પૂજારી ચતુરાઇ વાપરી ઉપરના મહાદેવ મંદિરમાં ચાવી હશે તેમ કહી બે લૂંટારાને ઉપર લઇ ગયા બાદ ત્યાંથી છલાંગ લગાવી ભાગ્યાઃ નજીકમાં રહેતાં નિવૃત એએસઆઇની ઘરે પહોંચી વાત કરતાં બધા મંદિરે દોડી ગયા ત્યાં સુધીમાં લૂંટારા છનનઃ પુજારી સારવાર હેઠળઃ કુવાડવા પોલીસને હવે લૂંટારૂઓએ પડકાર ફેંકયો

જ્યાં બુકાનીધારી લૂંટારા ત્રાટકયા તે રતનપરમાં આવેલુ માલી સમાજનું પંચદેવી મંદિર, તેનો મુખ્ય ગેઇટ, મંદિરમાં બિરાજમાન પાંચ દેવીઓ મા આશાપુરા, મા મોમાઇ, મા ચામુંડા, મા ખોડિયાર અને મા વેરાઇની મુર્તિઓ તથા નીચે દાન પેટીઓ અને જેના પર હુમલો થયો તે પૂજારી સુરેશદાસ નિમાવત તથા તેમના પત્નિ મધુબેન જોઇ શકાય છે. ઘટના સ્થળની તસ્વીરો રતનપરથી જીજ્ઞેશ પ્રજાપતિએ મોકલી હતી.

રાજકોટ તા. ૨૧: કુવાડવા તાબેના રતનપર ગામમાં આવેલા રાજકોટ માલી સમાજના પંચદેવી મંદિર આશ્રમમાં રાત્રીના ૧:૩૦ વાગ્યે પાંચ બુકાનીધારી હિન્દીભાષી લૂંટારૂઓએ ત્રાટકી પુજારીને ખાટલામાંથી ઉંચકી નીચે પછાડી ધોલધપાટ કરી તેમજ તેમના પત્નિને પણ મારકુટ કરી તેના કાનમાંથી સોનાના બુટીયા, ગળામાંથી ચાંદીની માળા, પગમાંથી એક ચાંદીનું સાંકળુ તેમજ મોબાઇલ ફોન અને રોકડા રૂા. ૩૬૦૦ની લૂંટ ચલાવતાં સનસનાટી મચી ગઇ છે. પુજારી પાસે લૂંટારાઓએ દાનપેટીની ચાવીઓ માંગતા તેમણે મંદિરના ઉપરના ભાગે મહાદેવના મંદિરમાં મુર્તિ પાછળ ચાવીઓ હશે તેવી ચાલાકી વાપરી બે લૂંટારાઓને ઉપર લઇ જઇ ત્યાંથી તક જોઇ છલાંગ લગાવી હતી અને દોટ મુકી નજીકમાં નિવૃત એએસઆઇના ઘરે પહોંચી જાણ કરતાં લોકો ભેગા થઇ જતાં લૂંટારા ભાગી ગયા હતાં.

ઘટનાની પ્રાપ્ત માહિતી મુજબ મુળ મિંતાણાના હમીરપર ગામના વતની સુરેશદાસ હિમતરાય નિમાવત (ઉ.૫૬)  તથા તેમના પત્નિ મધુબેન સુરેશદાસ નિમાવત (ઉ.૫૨) ત્રણ વર્ષથી મોરબી રોડ પર રતનપરમાં રામ મંદિર પાસે આવેલા રાજકોટ માલી સમાજના પંચદેવી આશ્રમ-મંદિરમાં રહી સેવાપૂજા કરે છે. રાત્રીના દોઢેક વાગ્યે સુરેશદાસ મંદિરના હોલમાં ખાટલા પર સુતા હતાં અને તેમના પત્નિ દબાજુમાં બીજી સેટી પર સુતા હતાં.

દરમિયાન પૂજારી સુરેશદાસને અચાનક કોઇએ ઉંચકીને નીચે પછાડતાં તેઓ સફાળા જાગી ગયા હતાં. આંખ ઉઘાડી જોતાં જ ધોકાના ઘા થયા હતાં. મોઢે બુકાની બાંધેલા પાંચેક શખ્સોએ હિન્દીભાષામાં વાત કરી જે હોય તે આપી દેવા કહ્યું હતું. દેકારો થતાં તેમના પત્નિ જાગી જતાં ત્રણ લૂંટારૂઓ તેની પાસે ગયા હતાં અને તેને મારકુટ કરી મોઢે ધુંબા મારી તેના કાનમાંથી સોનાના બુટીયા, ગળામાંથી ચાંદીની બે માળા ખેંચી કાઢ્યા હતાં. તેમજ પગમાંથી ચાંદીનું એક સાંકળુ કાઢી લીધું હતું. બીજુ નીકળ્યું નહોતું.

પૂજારીએ હોસ્પિટલના બિછાનેથી જણાવ્યા મુજબ લૂંટારૂઓએ મની પછાડી માર માર્યા બાદ મારી પાસે દાનપેટીની ચાવીઓ માંગી હતી. પણ ચાવીઓ મંદિરના ટ્રસ્ટી નામેરીભાઇ માલી પાસે રહેતી હોઇ મેં ચાવી નથી તેમ કહેતાં મને વધુ માર માર્યો હતો. એ પછી મેં મારથી બચવા ચાવી કદાચ ઉપરના મહાદેવ મંદિરની મુર્તિ પાછળ હશે એમ કહેતાં બે લૂંટારા મને ઉપરના ભાગે લઇ ગયા હતાં. ત્યાં લૂંટારા મુર્તિ પાછળ ચાવી શોધવામાં રહ્યા ત્યાં જ હું તક જોઇ ઉપરથી છલાંગ લગાવી દોટ મુકી ભાગ્યો હતો. બે લૂંટારા પણ પાછળ આવ્યા હતાં. પણ હું આગળ નીકળી જતાં એ પાછા વળી ગયા હતાં.

મંદિરથી થોડે દુર નિવૃત એએસઆઇ ગંભીરસિંહ વાઘેલા રહેતાં હોઇ તેમને મેં જગાડ્યા હતાં. તેમણે બીજા ગામલોકોને જગાડ્યા હતાં અને અમે બધા પાછા મંદિરે આવ્યા હતાં. ત્યાં સુધીમાં લૂંટારા ભાગી ગયા હતાં. તે મારા પત્નિ પાસેથી દાગીના, રોકડ, મોબાઇલ સહિતની મત્તા લૂંટી ગયા હતાં. એ પછી અમને બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતાં.

ઘટનાની જાણ થતાં કુવાડવાના પીઆઇ પરમાર, પીએસઆઇ એમ. કે. ઝાલા સહિતનો કાફલો હોસ્પિટલે અને ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધવા તજવીજ કરી હતી. ક્રિષ્ના વોટર પાર્કની પાર્ર્ટીમાં દરોડાથી કુવાડવા પોલીસની કામગીરી વધી ગઇ હતી. ત્યાં હવે લૂંટારૂઓએ પડકાર ફેંકયો છે.

લોકોને ભેગા કરવા પૂજારીને પત્નિએ મંદિરનો ઘંટ વગાડી બૂમો પાડી

લૂંટારૂઓ મારકુટ કરી લૂંટ ચલાવતાં હતાં ત્યારે ઝપાઝપી કરીને પૂજારીના પત્નિ મધુબેન સુરેશદાસે મંદિરના ઘંટ વગાડવાનું ચાલુ કર્યુ હતું અને બચાવો-બચાવોની બૂમો પાડી હતી. પરંતુ ત્યાં વગડામાં આસપાસ કોઇ ન હોઇ અવાજ કોઇને સંભળાયો નહોતો. એ પછી પુજારી ઉપરના માળેથી તક જોઇ ભાગી જતાં લૂંટારા પણ ભાગી છુટ્યા હતાં.

પૂજારી ફફડી ગયા... હું ભાગ્યો ન હોત તો મારી નાંખત!

 હોસ્પિટલના બિછાનેથી પૂજારી સુરેશદાસે કહ્યું હતું કે હું ચાલાકી વાપરી ભાગી છુટ્યો હતો. જો ભાગ્યો ન હોત તો કદાચ દાનપેટીની ચાવી માટે મને લૂંટારા મારી નાંખત, તેવો ભય ઉભો કર્યો હતો. આ લૂંટારાઓની ઉમર આશરે ૨૨ થી ૨૫ વર્ષની હતી અને બધા હિન્દીભાષી હતાં તથા મોઢે બુકાની બાંધી હતી.

(11:37 am IST)