Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સુરેન્દ્રનગર જિલ્લાનાં બાળકોને શિષ્યવૃતિ રકમ તુરત આપવા ડીડીઓ બંસલનો અનુરોધ

સુરેન્દ્રનગર, તા.૨૧:  સુરેન્દ્રનગર જિલ્લામાં અભ્યાસ કરતા શાળાના વિદ્યાર્થીઓની મંજુર થયેલ શિષ્યવૃતિના નાણાં સત્વરે મળે તેવી વ્યવસ્થા ગોઠવવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલે ખાસ સુચના આપી છે. જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠકમાં બંસલે સુચના આપી હતી.

આ બેઠકમાં સરકારી બાકી લેણાની વસુલાત ગંભીરતાથી લઈ ખાસ ઝૂંબેશ ઉપાડી વસુલાત પૂર્ણ કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં કર્મચારીઓના બાકી પેન્શન કેસો, તાબાની કચેરીઓનું નિરીક્ષણ, બાકી ખાનગી અહેવાલ પૂર્ણ કરવા, લોકોની અરજીઓનો સમય મર્યાદામાં નિકાલ તેમજ એ.જી. કચેરીના બાકી પારાઓનો નિકાલ કરવા, આર.ટી.આઈ.ની અરજીઓ તકેદારી આયોગને લગતી અરજીઓનો નિકાલ સહિત અનેકવિધ મુદ્દાઓની ચર્ચા કરી જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સરકારી લેણાની વસુલાત ઝડપી બનાવવા પણ સૂચના આપી હતી.

આ બેઠકમાં ધારાસભ્યો સર્વશ્રી નૌશાદ ભાઈ સોલંકી અને ઋત્વિક મકવાણાએ પાક વિમા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર હસ્તકની વિવિધ યોજના અંતર્ગત મંજુર કરવામાં આવતી લોન, મનરેગા હેઠળ થયેલ કામો વગેરે પ્રશ્નોનો સત્વરે નિકાલ કરવા જે તે વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.

(1:36 pm IST)