Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

જુનાગઢમાં વ્યાજખોરોનો આતંકઃ રૂ.૭૦ લાખનું વ્યાજનું વ્યાજ કરી રૂ. ૧.૭૫ કરોડ વસુલ્યા

સોની વેપારી પાસેથી ચેક, સોનું, ડુપ્લેક્ષ પણ પડાવી લીધા

જુનાગઢ તા.૨૧: જુનાગઢમાં વ્યાજખોરોએ સોનોી વેપારી પર આતંક ગુજારી અને તેની પાસેથી રૂ. ૭૦ લાખનું વ્યાજનું વ્યાજ કરી રૂ. ૧.૭૫ કરોડ વસુલ્યા હોવાનું બહાર આવતા વેપારી આલમમાં હલચલ મચી ગઇ છે.

આ બારામાં પોલીસે ફરિયાદ લઇ પાંચ વ્યાજંકવાદીઓ સામે કાર્યવાહી કરી છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢમાં તળાવ દરવાજા પાસે આવેલ રોયલ એપાર્ટમેન્ટમાં રહેતા સોની ભાવેશ વિનોદરાય પાટડીયા (ઉ.વ.૩૮)એ ધંધા-વેપારમાં ખોટ જતા જુનાગઢના લખમણ ઉર્ફે બબન નાથા રબારી અને મહેશ જીવા કટારા પાસેથી ત્રણ ટક વ્યાજે રૂ. ૧૦ લાખ લીધા હતા.

પરંતુ આ પછી બંને શખ્સોએ ૬ ટકા અને ૧૦ ટકા વ્યાજ વસુલવાનું શરૂ કરેલ તેમજ મહેશ જીવા રબારીએ પ-પ લાખનાં ચેક અને પ્રોમીસરી નોટ પણ લખાવી લીધેલ.

એટલું જ નહી રૂ. ૧૦ લાખનું સોનું લઇ લીધેલ અને રૂ. ૧૮ લાખની કિંમતનો ફલેટ રૂ. ૧૨ લાખમાં સોની વેપારી પાસેથી લખાવી લીધો હતો.

તેમજ સોની ભાવેશ પાટડીયા પાસેથી વ્યાજ વસુલવાનો હવાલો જુનાગઢનો દિલીપ ભગા રબારીને સોંપાતા તેને મોટર સાયકલ અને પાંચ ડુપ્લેક્ષ મકાન પડાવી લીધા હતા.

આટલેથી સંતોષ ન થતાં લીલો રબારી અને રબારી ગોવિંદ ભારાઇ મકાન પચાવી પાડી ભાવેશ વિનોદરાયના ભાઇનું અપહરણ કરી તેને ગોંધી રાખી તેની પાસેથી મિલકત લખાવી લીધી હતી.

આમ એપ્રિલ-૨૦૧૩થી પાંચ વર્ષમાં પાંચેય વ્યાજંકવાદીઓએ રૂ. ૭૦ લાખનું વ્યાજનું વ્યાજ કરી રૂ. પોણા બે કરોડ વસુલ્યા હોવાની ફરિયાદ ભાવેશ પાટડીયાએ કરતા એ ડિવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ પી.આઇ.વાળા ચલાવી રહયા છે.

(1:33 pm IST)