Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

મહારાણા પ્રતાપની પ્રતિમા થકી ખંભાળીયાને એક નવી ઓળખ મળશે : આપણને ભલે દેશ માટે મરવાની તક નથી મળી, પરંતુ દેશ માટે કાંઇક કરવાની તક ચોક્કસ મળી છે : પ્રદીપસિંહ જાડેજા

ખંભાળીયા નગરપાલીકા ટાઉનહોલ ખાતે ગૃહમંત્રીના અધ્યસ્થાને સંસદસભ્ય પૂનમબેન માડમની ઉપસ્થિતીમાં મહારાણા પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ યોજાયો

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા,તા. ૨૧: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગર  - ખંભાળીયા હાઈવે ખાતે ખંભાળીયા શહેરના પ્રવેશ પથ પર ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ખંભાળીયા નગરપાલીકા દ્વારા રૂપિયા ૧૭.૨૦ લાખના ખર્ચે તૈયાર કરાયેલા મહારાણા પ્રતાપની પંચધાતુની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. ખંભાળીયા નગરપાલીકા ટાઉનહોલ ખાતે મંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને સંસદસભ્યશ્રી પૂનમબેન માડમની ઉપસ્થિતિમાં મહારાણા પ્રતિમા અનાવરણનો કાર્યક્રમ પણ યોજાયો હતો.

આ પ્રસંગે ગૃહમંત્રીએ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા જણાવ્યું હતું કે, મહારાણા પ્રતાપનો ઈતિહાસ આજે પણ યાદ કરાય છે, ગૌરવ થાય તેવા આ કાર્યક્રમમાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ કરી હું ધન્યતા અનુભવુ છું. મહારાણા પ્રતાપએ સ્વાભિમાની વ્યકિતત્વ હતું અને આવા વ્યકિતત્વની પૂજા કરવી એ આપણું કર્તવ્ય છે.

વધુમાં તેમણે ઈતિહાસની ચિંતા ન કરે, ગૌરવ ન લે ત્યાનું ભૂગોળ હંમેશા બદલાઈ જાય છે, ભારત હંમેશા સંસ્કૃતિ અને રાષ્ટ્રવાદના અક્ષાંશ પર ચાલતો દેશ છે. પ્રજાનું રક્ષણ કરવું એ શાસકનું કર્તવ્ય છે, રાજય સરકાર હંમેશા પ્રજાના પ્રશ્નોના નિરાકરણની દિશામાં કાર્યશીલ છે, જેના પરિણામે આજે ગુજરાતમાં શાંતિ, સુરક્ષા  અને સલામતી જળવાઈ રહી છે તેમ પણ જણાવ્યું હતું.

ગૃહમંત્રીશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકારે કાશ્મીરમાં ૩૭૦ની કલમ નાબૂદી, આતંકવાદ અને મહિલા સુરક્ષા માટેના કાયદા અમલી બનાવી નાગરીકો માટે શાંતિ, સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે દિશામાં કાર્યો કાર્યા છે તેમ પણ ઉમેર્યુ હતું.

આ તકે સંસદસભ્યશ્રી પૂનમબેન માડમે ભાવી પેઢીએ મહારાણા પ્રતાપની પ્રતિમા જોઈને આપણા ગૌરવવંતા ઈતિહાસથી પરિચિત બનશે તેમ જણાવ્યું હતું. આ પ્રતિમાંના માધ્યમથી ભાવી પેઢીને સાહસ અને આદર્શવાદી બનવાની પ્રેરણા મળશે તેમ ઉમેરી ખંભાળીયા નગરજનોને મહારાણા પ્રતાપની પ્રતિમા અનાવરણ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી.

આ તકે વિવિધ સમાજના આગેવાનો દ્વારા ગૃહમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા અને સંસદસભ્યશ્રી પૂનમબેન માડમનું સાલ અને મોમેન્ટો અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેનશ્રી મુળુભાઈ બેરા અને ખંભાળીયા નગરપાલીકા પ્રમુખશ્રી ભાવનાબેન પરમારએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ખીમભાઈ જોગલે આભારવીધી કરી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજીબેન મોરી, જિલ્લા કલેકટરશ્રી એમ.એ.પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.જે.જાડેજા, નિવાસી અધિક જિલ્લા કલેકટરશ્રી કે.એમ.જાની, જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખશ્રી પી.એસ.જાડેજા, શહેર ભાજપ પ્રમુખશ્રી અનિલભાઈ તંન્ના, જિલ્લા ભાજપ મહામંત્રી સર્વશ્રી શૈલેષભાઈ કણઝારીયા, મયુરભાઈ ગઢવી અને યુવરાજસિંહ વાઢેર તથા જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેનશ્રીઓ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી રામદેવભાઈ કરમુર સહિત અગ્રણી સર્વશ્રી હરીભાઈ નકુમ, વી.ડી.મોરી, સી.આર.જાડેજા, વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

(1:08 pm IST)