Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ગોંડલમાં પત્રકાર ભોજાણી અને તેના ભાઇના ઘર-ઓફીસમાં તોડફોડ

આતંક મચાવી બે મહિલાની આબરૂ લુંટવાનો પ્રયાસ થયાની રજુઆતઃ અલગ-અલગ ત્રણ ગુન્હાઓ નોંધાયાઃ દારૂ પીધેલા હોય બે સામે પ્રોહીબીશનનો અલગ ગુન્હો નોંધાયો

તસ્વીરમાં ભોજાણી પરીવારના ઘર અને ઓફીસમાં તોડફોડ કરાઇ હતી તે નજરે પડે છે.(તસ્વીરઃ ભાવેશ ભોજાણી)

રાજકોટ, તા., ર૧: ગોંડલમાં ચાર દાયકાથી ખબરપત્રી નું કામ કરતા ભોજાણી પરિવારના બે ઘરમાં ચાર શખ્સોએ ઘુસી જઇ  ગાળો ભાંડી જાનથી મારી નાખવાની ધમકી આપી ન્યુઝ ઓફિસમાં રોકડ રકમ રૂ.૩૦૦૦ અને ૨ પેન ડ્રાઈવ ની લૂંટ કરી તોડફોડ કરતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.

ગોંડલના મહાદેવ વાડીમાં રહેતા અને દાયકાઓથી સમાચાર પત્રો અને ટીવી ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલ સ્વર્ગસ્થ મહેશભાઈ ભોજાણી ના સંતાનો પણ સમાચાર ક્ષેત્રમાં જોડાયેલા છે ગતરાત્રિના રિપોર્ટર દેવાંગ ઉર્ફે પિન્ટુ ભોજાણી ના ઘરે અલ્પેશ , ભૂષણ, વિક્રમ તેમજ પ્રતીક  દોડી ગયા હતા. દેવાંગ ભોજાણીના પત્ની કાજલબેન સાથે ગેરવર્તણૂક કરી હતી. બાદમાં દેવાંગના ભાભી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન મિલનભાઈ ભોજાણીના ઘરે ભુંડા બોલી ગાળો ભાંડી ઘર પાસે લઘુશંકા કરતા અને લુખ્ખા ગીરી કરી ગેરવર્તણૂક કરી હતી બાદમાં પેલેસ રોડ પર આવેલ ભોજાણી ન્યુઝ એજન્સી જયેશભાઈ ભોજાણી ની ઓફિસમાં રોકડ રકમની લૂંટ અને તોડફોડ કરી કચ્ચરઘાણ વાળી દેવાની ફરીયાદ સાથે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે જુદી જુદી ત્રણ ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ગોંડલ પોલીસ મથકમાં જે ત્રણ ફરીયાદ નોંધાઇ છે તેમાં પ્રથમ ફરીયાદમાં કાજલબેન  દેવાંગ ઉર્ફે પીન્ટુ ભોજાણીએ આરોપી અલ્પેશ, પ્રતિક, ભુષણ તથા વિક્રમ સામે ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીઓએ ફરીયાદીના ઘરમાં જઇ ફરીયાદીને ગાળો આપી તેમજ ફરીયાદીના પતિ પીન્ટુને મારી નાખવાની ધમકી આપી હતી અને ફરીયાદીનું બાવડુ પકડી નિર્લજ્જ હુમલો કર્યો હતો તેમજ ઘરમાં તોડફોડ કરી હતી.

બીજી ફરીયાદમાં રીનાબેન મિલનભાઇ ભોજાણીએ ઉકત ચારેય શખ્સોસામે નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું છે કે આરોપીઓએ ફરીયાદીના ઘર પાસે જઇ ફરીયાદીને ગાળો આપી ફરીયાદીના ભત્રીજા પીન્ટુને ધમકી આપી હતી અને બાદમાં ફરીયાદી સાથે ગેરવર્તણુક કરી નિર્લજ્જ હુમલો કર્યો હતો અને બાદમાં ઘરમાં તોડફોડ કરી હતી.

ત્રીજી ફરીયાદમાં ઘનશ્યામ જયંતીભાઇ ગોહેલે અલ્પેશ તથા પ્રતિક  સામે નોંધાવેલ ફરીયાદમાં જણાવેલ છે કે આરોપીઓએ સાહેદ બન્ટીભાઇની ઓફીસે જઇ તેની ઓફીસમાં તોડફોડ કરી, ટેબલમાં પડેલ રોકડા રૂ. ૩૦૦૦ તથા બે પેન ડ્રાઇવ લઇ જઇ સાહેદ બન્ટી અને તેના પરીવારને મારી નાખવાની ધમકી આપી હતી.

 ઉકત ત્રણેય ફરીયાદો અંગે ગોંડલ પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

દરમિયાન અલ્પેશ તથા પ્રતિક  હોસ્પીટલમાં દાખલ થતા અને બંન્ને દારૂ પીધેલ હાલતમાં  જણાતા બંન્ને સામે ગોંડલ પોલીસે પ્રોહીબીશનનો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

અત્રે એ નોંધનીય છે કે અલ્પેશ  જુગાર રમતા ઝડપાયાના સમાચાર પ્રસિધ્ધ થતા તેનો ખાર રાખી અલ્પેશ તથા તેના સાગ્રીતોએ ભોજાણી પરીવાર પર હુમલો કર્યાનું ભોજાણી બંધુએ પોલીસને જણાવ્યું હતું.

(12:02 pm IST)